મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાદ્ય તેલ ભરેલું એક ટેન્કર પલટી જવાના કારણે આશરે 3 કલાક સુધી રસ્તા પર પરિવહન ખોરવાયું હતું. જોકે શનિવારના રોજ બનેલી આ ઘટનામાં ટેન્કર માંથી ઢોળાયેલું તેલ લૂંટવા માટે તે વિસ્તારના સ્થાનિકોએ દોટ લગાવી હતી. આ બનાવ મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર જિલ્લાના દહાણુ પાસે બન્યો હોવાનું સામે આવ્યું છે. આશરે 12,000 લિટર ખાદ્ય તેલને સુરતથી મુંબઈ પ્રોસેસિંગ માટે લઈ જઈ રહેલા ટેન્કરના ચાલકે તવા ગામ પાસે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. તેના પરિણામ સ્વરૂપ ટેન્કર પલટી ગયું હતું અને તેમાંથી તેલ બહાર ઢળવા લાગ્યું હતું.
ઓઈલ ટેન્કર પલટી ગયાની જાણ થતાં જ અસંખ્ય સ્થાનિકો કેન અને અન્ય વાસણો લઈને લીક થયેલા તેલને ભરવા માટે દોડી આવ્યા હતા. લોકોની ભીડને કાબૂમાં લેવા અને ટ્રાફિકને પૂર્વવત કરવામાં પોલીસને આશરે 3 કલાક સુધી જહેમત કરવી પડી હતી. આ દુર્ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માત અંગેની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક રેસ્ક્યુ ટીમે ટેન્કરને રસ્તા પરથી હટાવીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.
છેલ્લા 3 દિવસમાં હાઈવે પર ટેન્કર પલટી જવાની આ બીજી ઘટના છે. અગાઉ ગુરૂવારના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જ મુંબઈ-અમદાવાદ હાઈવે પર એમોનિયા લિક્વિડ ભરેલું ટેન્કર એક ટેમ્પો સાથે અથડાવાના કારણે અનેક કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500