Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સત્યનાં ‘આગ્રહી’, કરૂણા, અહિંસા, સ્વચ્છતા અને સાદગીનાં પ્રણેતા ‘મહાત્મા ગાંધી’ની ૧૫૪મી પુણ્યતિથિએ તેમના જીવનપ્રસંગોની ઝાંખી

  • October 04, 2023 

ભારતના ‘રાષ્ટ્રપિતા’ અને ‘મહાત્મા’નું બિરૂદ પામેલા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિન ગાંધીજયંતી તરીકે ઉજવાય છે. તારીખ ૨ ઓક્ટોબર ૧૮૬૯માં ગુજરાતના પોરબંદર ખાતે જન્મેલા ગાંધીજી ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા. ‘બાપુ’નાં હુલામણા નામે જગવિખ્યાત ગાંધીજી જીવનનો મોટા ભાગનો સમય ભારતની પ્રજાના ઘડતરમાં વિતાવ્યો. જીવનના દરેક ક્ષેત્રે તેમણે પોતાના સ્પષ્ટ વિચારો નિર્ભીક રીતે વ્યક્ત કર્યા. સત્ય, અહિંસા, સાદાઇ, સ્વચ્છતા, ગૃહઉદ્યોગો, સ્વદેશી, અસ્પૃશ્યતાનિવારણ, ગરીબો પ્રત્યે કરૂણા અને દરિદ્રનારાયણની સેવા, સર્વોદય બુનિયાદી શિક્ષણ દ્વારા સાચું શિક્ષણ વગેરે તેમના પ્રિય વિષયો હતા અને તે વિષે તેમણે ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા' અને 'હરિજનબંધુ' જેવાં સામયિકો દ્વારા સતત પ્રજાઘડતરનું કામ કર્યું. ગાંધીજીનું સાહિત્યિક પ્રદાન ગાંધીજી ગુજરાતની ભાષાના એક સિદ્ધહસ્ત સાહિત્યકાર હતા.



તેમણે સાહિત્ય લખ્યું તે કરતાં વધારે જીવી બતાવ્યું છે. સાહિત્ય અને જીવનનો અદ્ભુત સમન્વય એમના જીવનમાં જોવા મળે છે. ફક્ત ગુજરાતી જ નહિ પણ ભારતની અન્ય ભાષાઓના સાહિત્યમાં પણ ‘ગાંધીયુગ’ અસ્તિત્વમાં આવ્યો. કારણ કે ગાંધીજીના આચાર-વિચારનું બળ અતિ વ્યાપક અને ઊંડું હતું. ભલે તે મહાન લેખક ન હોય પણ અનેક મહાન લેખકો માટે તેઓ પ્રેરણા સ્ત્રોત બન્યા. ફક્ત ગુજરાતી ભાષામાં જ નહિ ભારતની અનેક ભાષાઓમાં તેમનો ‘સાહિત્ય યુગ’ ઉદ્ભવ્યો હતો. તેઓએ પુસ્તકો ઓછા લખ્યા છે પણ ‘હિન્દ સ્વરાજ’, ‘સત્યના પ્રયોગો’ અથવા આત્મકથા’, ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’, ‘આરોગ્યની ચાવી’, ‘મંગળ પ્રભાત’ અને ‘અનાસક્તિ યોગ’ સિવાય કોઈને લખેલા પત્રો, વ્યાખ્યાનો, લેખો વગેરે પુસ્તકોમાં સંચિત છે. તે સિવાયનું તેમનું સાહિત્ય સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખો છે. અનેક મહાન લેખકોએ ગાંધીજીને વિવિધ દૃષ્ટિકોણથી નિહાળ્યા છે અને એવા વિવિધરંગી અવલોકનોમાંથી વિસ્તૃત સાહિત્ય મળ્યું છે. ગાંધીજીની જીવન ઝરમર.



વર્ષ ૧૮૮૨ માત્ર ૧૩ વર્ષની ઉંમરે, કસ્તુરબા સાથે લગ્ન કર્યા અને ગાંધીજીના અસંખ્ય આજ્ઞાભંગ અભિયાનોમાં તેમની સાથે રહ્યા હતા. વર્ષ ૧૮૮૮થી ૧૮૯૧ દરમિયાન લંડનમાં કાયદાના અભ્યાસ વેળાએ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ અને સમાજ સુધારક એની બેસન્ટ સાથે પ્રથમ મુલાકાત થઈ, વર્ષ ૧૮૯૩માં વકીલાતના વ્યવસાય અંગે દક્ષિણ આફ્રિકા પહોંચેલા ગાંધીજીને પ્રથમ વખત રંગભેદની કટુનીતિનો પરિચય થયો અને વ્યક્તિ તેમજ દેશની સ્વતંત્રતા માટેની ઝુંબેશનો આરંભ થયો, વર્ષ ૧૮૯૪ માં ચોવીસ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની રચના કરી, ત્યાંથી તેમના રાજકીય જીવનનો આરંભ થયો અને ધ ટાઈમ્સ ઓફ લંડન, ધ સ્ટેટ્સમેન અને ધ ઇંગ્લિશમેન ઓફ કલકત્તા જેવા મહત્વનાં અખબારોએ ગાંધીજી દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓની નોંધ લેવાનું શરૂ કર્યું હતું, વર્ષ ૧૯૦૧માં સ્વદેશમાં પરત આવી તેમણે ભારત ભ્રમણ કરી દેશની રાજકીય પરિસ્થિતિનો સાચો અને સારો અભ્યાસ કર્યો.



દેશના સમર્થ નેતાઓને મળ્યા, તેમને સમજ્યા. દક્ષિણ આફ્રિકાના ભારતીયોની માંગણીને અનુલક્ષી ફરીથી દક્ષિણ આફ્રિકા ગયા, વર્ષ ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકનાં ટ્રાન્સવાલમાં ભારતીયો સામેના એશિયાટિક ઓર્ડિનન્સ સામે પ્રથમ સત્યાગ્રહ આરંભ્યો. એશિયનોની ફરજિયાત નોંધણી સામેનો આ સત્યાગ્રહ હતો. ૧૯૦૮માં સત્યાગ્રહ બદલ બે મહિનાની જેલની સજા થઈ, વર્ષ ૧૯૧૫માં ભારતની પ્રજામાં જાગૃતિ લાવવા કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડી ભારત આવ્યા અને અમદાવાદ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. અને વર્ષ ૧૯૧૭માં ચંપારણ્ય સત્યાગ્રહ કર્યો. અમદાવાદમાં મિલમાલિકો સામે ભૂખ હડતાલનું અહિંસક શસ્ત્ર ઉગામ્યું, વર્ષ ૧૯૧૯માં ગાંધીજી ભારતીત રાષ્ટ્રીય કોંગ્રસ રાજકીય પક્ષના નેતા બન્યા.



વર્ષ ૧૯૨૦માં ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગના પ્રમુખ ચૂંટાયા. દેશમાં અસહકારની હવા ઊભી કરી. સ્વાતંત્ર્ય માટે સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા તેમણે દેશવ્યાપી આંદોલન જગાવ્યું અને વર્ષ ૧૯૨૪ સુધી જેલની સજા ભોગવી. વર્ષ ૧૯૨૯માં વિદેશી કાપડની હોળી કરવા માટે કલકત્તામાં તેમની ધરપકડ થઈ. વર્ષ ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ માટે દાંડી કૂચનો આરંભ કર્યો અને વર્ષ ૧૯૩૧માં ઇંગ્લૅન્ડમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી ભારતનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ રીતે બ્રિટિશ શાસનને સમજાવ્યું. દેશમાં સતત ભ્રમણ કરી રાજકીય જાગૃતિ આણી. વર્ષ ૧૯૩૨માં નવા વાઈસરૉય હેઠળ ગાંધીજીને ફરીથી કેદ કર્યા અને જેલમાં રહી તેમણે અસ્પૃશ્યોને અલગ પાડવાના અંગ્રેજોના નિર્ણયનો વિરોધ દર્શાવવા ઉપવાસ કર્યા હતા. જેથી દેશમાં ભાવનાત્મક ઉથલપાથલ થઈ અને અંગ્રેજો નીતિમાં ફેરફાર કરવા સંમત થયા.



ઑગસ્ટ ૧૯૪૨માં ‘ભારત છોડો' ચળવળથી દેશની આઝાદીનો છેલ્લો તબક્કો આરંભ્યો. ૧૯૪૨થી ૧૯૪૭ સુધીનાં પાંચ વર્ષમાં અનેક હાકલો કરી. મંત્રણાઓ કરી. કડવા ઘૂંટડા ગળ્યા. ભારતના ભાગલાનો ન છૂટકે સ્વીકાર કરી લોહીનું એક બુંદ પાડ્યા વગર જીત મેળવી. તા.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭નાં રોજ ગાંધીજીની અહિંસા અને સત્યની લડાઈનો વિજય થયો. ભારતે ઔપચારિક રીતે બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી. અને દેશને રાજકીય આઝાદી અપાવી જાગ્રત કરવાને પરિણામે તેઓ ભારતના ‘રાષ્ટ્રપિતા’ બન્યા. તારીખ ૩૦મી જાન્યુઆરીના રોજ સાંજે છ કલાકે બિરલા હાઉસ, નવી દિલ્હીમાં પ્રાર્થના સમયે નથુરામ વિનાયક ગોડસે દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી, વર્ષ ૧૯૯૭માં તેમની હત્યાના લગભગ ૫૦ વર્ષ પછી ભારતના અલહાબાદમાં તેમની સ્મૃતિના સમારોહ દરમિયાન તેમની રાખ ગંગા નદીમાં પધારાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application