ગુજરાતમાં ધનતેરસના એક જ દિવસમાં અંદાજે રૂ. ૪૩૯ કરોડની કિંમતના ૭૦૦ કિલો સોનાનું વેચાણ થયું હતું. ૬૦ ટકા જવેલરી તથા બાકીના ૪૦ ટકા સિકકા-બિસ્કિટ વેચાયા હતા. અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના નાના-મોટા શહેરોમાં મોડીરાત સુધી સોનીબજારો ખુલ્લા રહ્યા હતાં. જવેલર્સ એસોસિએશનના અંદાજ પ્રમાણે માત્ર અમદાવાદમાં જ ૩૦૦ કિલો સોનાનું વેચાણ થયુ હતું.
એસોસિએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે ધનતેરસે સોના-ચાંદીની શુભ ખરીદીની પરંપરા છે. આ વખતની ધનતેરસ ઘણી સારી હતી. સવારથી મોડીરાત સુધી જવેલર્સ શોરૂમોમાં ગ્રાહકોની ભીડ જામી હતી. દરેક ગ્રાહકની ખરીદી સરેરાશ દસ ગ્રામની હોવાનું અનુમાન છે. એકાદ મહિના પૂર્વે હતા તેની તુલનાએ સોનાના ભાવ નીચા આવી ગયા છે અને તેથી ખરીદી વધી હતી. વર્ષ દરમિયાનન સોનાના વેચાણમાં સરેરાશ ૨૦ ટકાનો ઘટાડો અંદાજાય છે. છેલ્લા વર્ષમાં સોનામાં સરેરાશ ૨૭ ટકાનો ભાવવધારો થયો હતો.ગત વર્ષે દિવાળી પર્વમાં સોનાનો ભાવ ૫૨,૬૦૦ હતો તે ધનતેરસે ૬૨,૭૦૦ હતો. ઊંચા ભાવની અસર ખરીદીના ગ્રામેજ પર જોવાતી હતી. અમદાવાદ ઉપરાંત રાજકોટ-જામનગર સહિત રાજયના તમામ નાના મોટા શહેરોમાં સોનીબજારો મોડીરાત સુધી ધમધમ્યા હતા અને મોટા પ્રમાણમાં કારોબાર થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500