Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં અધિકારી, પદાધિકારીઓ રાખી રહ્યા છે ચાંપતી નજર : લાઇન ડિપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ઝીરો પર

  • September 02, 2024 

ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ, તારીખ ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારના છ કલાકથી લઈને સાંજે ૪ વાગ્યા સુધી પુરા થતાં દસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ ૧૫૭ મી.મી.વરસાદ નોંધાયો છે. જેને પગલે અહીની લોકમાતાઓ ફરી એકવાર બન્ને કાંઠે વહેવા લાગી છે. વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો, આહવા તાલુકામાં આ દસ કલાક દરમિયાન ૧૦૭ મી.મી (મોસમનો કુલ ૨૩૩૭ મી.મી), વઘઇમાં ૧૯૧ મી.મી (મોસમનો કુલ ૨૪૪૬ મી.મી), અને સુબીરમાં ૧૭૪ મી.મી (મોસમનો કુલ ૨૧૫૧ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૧૫૭ મી.મી (મોસમનો કુલ ૨૩૧૧.૩૩ મી.મી), વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૧૦ કલાક દરમિયાન ૪૩ મી.મી વરસાદ નોંધાયો છે. દરમિયાન વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સુબીર-પીપલદહાડ રોડ સહિત પિંપરી-કાલીબેલ-ભેંસકાતરી રોડ માર્ગ ઉપર વૃક્ષો ધરાશાયી થવા સાથે માટીનો મલબો રોડ પર ધસી આવતા, વાહન વ્યવહાર અવરોધાવા પામ્યો હતો. જેને હટાવવા માટે વહીવટી તંત્રના લાશ્કરોએ વરસતા વરસાદમાં કામગીરી હાથ ધરી હતી.


તો વન વિસ્તારમાં ઠેર ઠેર વીજ લાઈનો ઉપર વૃક્ષો પડવાથી, વીજપ્રવાહ ખોરવાયો હતો. જેને વીજ કંપનીના કર્મયોગીઓએ દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલની નિગરાની હેઠળ જિલ્લાના નીચાણવાળા માર્ગો, કોઝ-વે, ચેકડેમ જેવા સ્થળે નદી, નાળા/ કોતરોના પાણી ફરી વળતાં, આ માર્ગો જાહેર આવાગમન માટે બંધ કરવા સાથે અહી પોલીસ બંદોબસ્ત જાળવી, મુસાફરો તથા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોના ઉપયોગ અંગે સમજૂતી આપવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઠેર ઠેર બનેલા ભૂસ્ખલન જેવી આપદાને પહોંચી વળવા માટે માર્ગ અને મકાન વિભાગ સાથે વન વિભાગની ટીમો, જેસીબી જેવા સાધનો સાથે સતત જાહેર માર્ગો ઉપર મોકલીને, જનજીવનને ખાસ કોઈ વિપરીત અસરો ન થાય તેની તકેદારી દાખવવામાં આવી રહી છે. તો ગ્રામીણ વિસ્તારોમાં કાચા/પાકા મકાનો, ઝૂપડાઓ, ખેતીવાડી સહિત કોઈ જાનમાલને નુકશાન ન થાય, તેની તકેદારી સાથે જિલ્લા વહીવટી તંત્રની ટિમ સતત પરિસ્થિતી ઉપર નજર રાખી રહી છે.


આરોગ્ય વિભાગે પણ પાણીના ક્લોરીનેશન સાથે દવાના છંટકાવની કામગીરી ઉપરાંત, હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી પ્રજાજનોના સ્વાસ્થ્યની ચિંતા સાથે કામગીરી હાથ ધરી છે. ડાંગ જિલ્લાની સમગ્રતયા પરિસ્થિતિ ઉપર, જિલ્લાના પ્રભારી મંત્રી પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક જાળવી મંત્રીશ્રી, તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તો ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પણ ઝાવડા સહિતના પૂરગ્રસ્ત, ડુબાણવાળા વિસ્તારોની જાત મુલાકાત લઈ, તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


ડાંગ જિલ્લાના નદી કિનારાના ગામો : આ સાથે ડાંગ જિલ્લાના નદી કિનારાના ગામો જેવા કે પુર્ણા નદીના કિનારે આવેલા ચિંચલી, ગાડવિહિર, વાયદૂન, કરંજડી, વાંઝટટેમ્બ્રુન, સાદડવિહિર, ટાંકલીપાડા, બોક્ડમાળ, ધૂડા, હિંદળા, ચિખલી, પાદલખડી, લવચાલી, બરડા, બીજુરપાડા, ચિંચવિહિર, મોટી ઝાડદર, ગૌહાણ, પીપલદહાડ, જોગથવા, પાંઢરમાળ, જારસોળ, કરંજડા, ઉગા, દહેર, ઘાણાં, મોટી કસાડ, લહાન કસાડ, મહાલ, સાવરદા કસાડ, ચિખલા, દિવડયાવન, ખાતળ, ખોપરીઆંબા, પાતળી, ટેક્પાડા, પાંઢરપાડા, કોલબારી, વાંકન, ભોંગળિયા, એંજિનપાડા અને કાકરદા, ઉપરાંત ગીરા નદી કિનારાના બુરથડી, જામન્યામાળ, ગાવદહાળ, ગિરમાળ, ધુલદા, બંધપાડા, સાજુપાડા, સાવરખડી, અને દરડી, ખાપરી નદી કિનારાના ઉમર્યા, પાયરપાડા, વાંકી, ચીચપાડા, ધૂમખલ, લહાન દબાસ, મોટી દબાસ, ઉમરપાડા, ટેબરુનઘર્ટા, ચૌકયા, ઇસદર, રાવચોંડ, ગાયખાસ, સૂન્દા, ખાપરી, કુતરનાચ્યા, સતી, વાંગણ, ભવાનદગડ, ધૂલચોંડ, ભવાડી, કૂડકસ, ગીરા, દાબદર, કોસીમપાતળ, અને બોરિગાવઠા, તથા અંબિકા નદી કિનારાના જોગબારી, ગોટીયામાળ, શામગહાન, ભાપખલ, ભૂરાપાણી, બારીપાડા, ચીરાપાડા, બોરીગાવઠા, ચિખલી, આંબાપાડા, બરડપાણી, બરમ્યાવડ, હૂંબાપાડા, બોંડારમાળ, બોરદહાળ, કુમારબંદ, ચિખલ્દા, બરડા, દગુનીયા, ભદરપાડા, ધાંગળી, સાદડમાળ, સાકરપાતળ, કુંડા, સુસરદા, ચિકાર, બારખાંદયા, ડોકપાળત, ચિચપાડા, આંબાપાડા, અને વઘઇ જેવા ગામોને સાવધ કરવા સાથે, તેના ઉપર ચાંપતી નજર રાખવામા આવી રહી છે. સાથે હેઠવાસના નવસારી અને તાપી જિલ્લાy સાથે પણ સતત સંપર્ક જાળવી રાખવામા આવી રહ્યો છે.


જિલ્લાના વર્ષા માપક યંત્ર અને રિવર ગેજીંગ સ્ટેશન : વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નેજા હેઠળ આહવા ખાતે વેઘર સ્ટેશન સહિત સુબીર મામલતદાર કચેરી, અને વઘઇ સ્થિત કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં વરસાદ માપક યંત્ર ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં સાપુતારા, લવચાલી, ગારખડી, ચિચિનાગાવઠા, કાલીબેલ, ગલકુંડ, અને બોરખલ ખાતે પણ વરસાદ માપક યંત્રો ગોઠવવામાં આવ્યા છે. જ્યારે પુર્ણા નદી ઉપર ટેકપાડા ગામે, ખાપરી નદી ઉપર કૂડકસ ગામે, અંબિકા નદી ઉપર વઘઇ ગામે, અને ગીરા નદી ઉપર ખોખરી (સોનગઢ તાલુકો) ખાતે રીવર ગેજીંગ સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવ્યાં છે.


ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડમા : ​સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે, નવસારી જિલ્લાની પૂર્ણા, કાવેરી, અને અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવનાને ધ્યાને લેતા, નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ સવારથી જ આગોતરી કામગીરીમાં વ્યસ્ત થઇ ચૂક્યું છે. જિલ્લાની ત્રણેય નદીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને, સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કામગીરીના ભાગરૂપે જિલ્લાની બીલીમોરા નગરપાલિકા દ્વારા, નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં લાઉડ સ્પીકરના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરી, નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application