Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ‘રન ફોર વોટ’માં જોડાયા

  • May 05, 2024 

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આજરોજ સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી "રન ફોર વોટ" ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ગર્ગે જણાવ્યું કે, "રન ફોર વોટ" નો એકમાત્ર આશય તાપી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. વધુમાં કલેકટર શ્રીએ જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર, મિત્રો, સગાસબંધીઓ સાથે અવશ્ય મતદાન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળા પ્રમાણમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા કલેક્ટર શ્રી ગર્ગે પોતે પણ ૫ કિ.મી. "રન ફોર વોટ" માં પોતાની ભાગીદારી નોંધાવી હતી. જ્યાં કલેક્ટરશ્રીએ માત્ર ૨૦.૪૦ મિનિટમાં ૫ કિ.મી. ની દોડ પૂર્ણ કરીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લાના નવયુવાનોને શારીરિક તંદુરસ્તી અંગે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.


જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલે પણ પોતાના પરિવાર સાથે "રન ફોર વોટ" માં હિસ્સેદારી નોંધાવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહ અને નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બી. એચ. ઝાલા સહિતના ઉચ્ચ અધિકારી પણ "રન ફોર વોટ" માં જોડાયા હતા. આ પ્રસંગે સૌએ અવશ્ય મતદાન કરવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. "રન ફોર વોટ" ને લીલીઝંડી આપતા પહેલા ફિટનેસ ટ્રેનર્સ દ્વારા સૌને ઝુંબા ડાન્સ મ્યુઝિક એક્સરસાઈઝ-વર્કઆઉટ કરાવવામાં આવ્યું હતું. જ્યાં આશરે ૧૯૦૦ થી વધુ નાગરિકોએ હાજરી નોંધાવી હતી. "રન ફોર વોટ" ૫ અને ૨ કિમી એમ બે તબક્કામાં પ્રારંભાઈ હતી. ૫ કિમીની રન ફોર વોટ સયાજી મેદાન, આયલ માતા સર્કલ થી યુ-ટર્ન લઈને ટાવર રોડ, જૂના બસ સ્ટેન્ડ, સુરતી બજાર, કાપડ બજાર, કાનપુરા, જનક સ્મારક થી યુ-ટર્ન લઈને પરત કાનપુરા, મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ પહોંચી સયાજી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી.


૨ કિમીની રન ફોર વોટ સયાજી મેદાન, જૂના બસ સ્ટેન્ડ, સુરતી બજાર, કાપડ બજાર, મેઈન બજાર, રામા રિજન્સીથી ફરી જુના બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન થઈને સયાજી ગ્રાઉન્ડ પરત ફરી હતી. આ રેલી માં જોડાનારા સૌએ નગરજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા પ્રેરિત કર્યા હતા. "રન ફોર વોટ" માં જીત હાંસલ કરનાર અને ભાગ લેનારાઓનું ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે તાપી જિલ્લામાં આજરોજ રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું. "રન ફોર વોટ" નો એકમાત્ર આશય જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો.


જ્યાં લોકતંત્રના પર્વને સફળ બનાવવા માટે સૌની ભાગીદારી સુનિશ્ચિત કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર રૂટ પર મેડિકલ અને સુરક્ષાની ટીમને તૈનાત કરવામાં આવી હતી. વધુમાં પાણી, એનર્જી ડ્રીંક, સહિત ફ્રૂટ્સની પણ સુવિધા સ્પર્ધકો માટે ઉભી કરાઈ હતી. મતદાન જાગૃતતાની આ અનોખી પહેલમાં સંકલનના અધિકારી-કર્મચારીઓ, પોલીસ, વન વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી વિભાગ, યોગબોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત નાગરિકો પણ "રન ફોર વોટ"માં રંગેચંગે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application