Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અધિકારીનો મોંઘો ફોન ડેમના પાણી પડ્યો તો 3 દિવસ પંપ ચલાવી લાખો લીટર પાણીનો વેડફાટ કર્યો, અધિકારી સસ્પેન્ડ કરાયો

  • May 27, 2023 

સામાન્ય નાગરિકોને થતી તકલીફોથી ન તો નેતાઓને ન તો સરકારી અધિકારીઓને કોઈ ફેર પડે છે પણ જ્યારે તેમની વાત આવે તો તેઓ કેવી હદો વટાવી જાય છે તેનું આ ઉદાહરણ તમારી સામે છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો iphone મોબાઇલ પાણીમાં પડી ગયો હતો. પોતાનો મોબાઈલ ગુમાવવાનું દુઃખ સાહેબને સહન ના થયું અને તેમણે તેને શોધવા માટે ડેમમાં ભરેલું લાખો લીટર પાણી વહાવી નાખ્યું. એક ફોન ખાતર દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરી શકાય એટલા પાણીનો વેડફાટ કરી નખાયો. 



માહિતી અનુસાર અધિકારીનો મોબાઈલ તો મળી ગયો છે પણ હવે બગડી ગયો છે. ખરેખર કોયલીબેડા બ્લોકના એક ફૂડ ઓફિસર રવિવારે રજા માણવા ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. અહીં અધિકારીનો મોબાઇલ ફોન પરલકોટ ડેમના ઓવર પુલ 15 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા એવા સ્વિમરોને ઉતારાયા પણ સફળતા ન મળી. તેના પછી ફોન શોધી કાઢવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ. પછી આ લોકોએ 30 એચ.પીનો પંપ લગાવી ડેમમાંથી પાણી કાઢી નાખ્યો. પાણી કાઢવા માટે સતત ૩ દિવસ સુધી પંપ ચલાવવામાં આવ્યો હતો.


જોકે ડેમમાંથી પાણીના વેડફાટના સમાચાર ઉપરી અધિકારીઓ સુધી પહોંચ્યા ત્યારે સિંચાઈ વિભાગના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તેમણે પંપ બંધ કરાવ્યો. તેના પછી ફરી શોધવામાં આવતા મોબાઈલ ફોન તો મળી ગયો પણ બગડી ગયો હતો. અંદાજ અનુસાર ગત સોમવારથી ગુરુવાર સુધીમાં સતત 24 કલાક સુધી 30 હોર્સ પવારના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લીટર પાણીનો વેડફાટ કરી દેવાયો. પાણીની આટલી માત્રા દોઢ હજાર એકર જમીનની સિંચાઈ  કરવા માટે પૂરતી હતી. આ મામલે જળ સંસાધન વિભાગના અધિકારી રામ લાલ ઢિંવર કહે છે કે અમે મૌખિક રીતે 5 ફૂટ સુધી પાણી કાઢવાની મંજૂરી આપી હતી પણ ત્યાં તો 10 ફૂટ સુધી પાણી કાઢી નાખવામાં આવ્યું. 

પખંજુર ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ સસ્પેન્ડ

કલેક્ટર દ્વારા જારી કરાયેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે, પખંજુર ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસે તેનો મોબાઈલ શોધવા માટે સતત ચાર દિવસ સુધી પરલકોટ જળાશયના વેસ્ટ વિયર અને સ્કેલ વે વચ્ચેના ડીઝલ પંપ વડે લગભગ 21 લાખ લિટર પાણી પમ્પ કર્યું હતું. આ અંગે એસડીએમ પખંજુર પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ મુજબ રાજેશ વિશ્વાસે પરવાનગી વગર જ જળાશયનું 41104 ઘનમીટર પાણી ખાલી કર્યું છે.તેનો મોબાઈલ શોધવા માટે ફૂડ ઈન્સપેક્ટર રાજેશ વિશ્વાસે કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી લીધી ન હતી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કાળઝાળ ગરમીમાં લાખો લીટર પાણીનો બગાડ કર્યો હતો. આ તેમનું અભદ્ર વર્તન છે જે સ્વીકારી શકાય તેમ નથી.ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસને છત્તીસગઢ સિવિલ સર્વિસના નિયમોની વિરુદ્ધ કામ કરવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન, તેમનું મુખ્ય મથક જિલ્લા કાર્યાલય, ખાદ્ય શાખા, કાંકેર રહેશે અને જ્યાં સુધી તેઓ સસ્પેન્ડ રહેશે ત્યાં સુધી વિશ્વાસને નિયમો અનુસાર નિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application