Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં રાજ્ય મહેસુલ પંચ કચેરી સુધી ધક્કો મટશે : હવે સુરત, તાપી, નવસારી, વલસાડનાં મહેસુલ પંચના કેસોની સુનાવણી સુરતમાં થશે

  • December 20, 2023 

મામલતદારથી લઇને જિલ્લા કલેકટર દ્વારા જે હુકમો થયા હોઇ તે હુકમથી નારાજ થઇને ઉપલી અદાલત એટલે કે અમદાવાદ ખાતે રાજયના મહેસુલ પંચ (એસ.એસ.આર.ડી.) સમક્ષ ચાલતા કેસોની સુનાવણીમાં સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના પક્ષકારો કે વકીલોએ હવે અમદાવાદ ધક્કો ખાવો પડશે નહીં. જાન્યુઆરીથી દર મહિને બે દિવસ સુરતમાં ચાર જિલ્લાના  કેસોની સુનાવણી થશે. જમીન તકરારના કે અન્ય તકરારી કેસોમાં મામલતદાર, પ્રાંત ઓફિસર અને છેલ્લે જિલ્લા કલેકટરની કોર્ટમાં સુનાવણી રખાઇ છે. જેમાં વાદી-પ્રતિવાદી એમ બંને પક્ષોના કેસોની સુનાવણી થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા કોઇ પણ એકના પક્ષમાં ચૂકાદો આપતા હોય છે.



આ ચૂકાદાથી નારાજ થઇને ઉપલી અદાલત એટલે કે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ કેસ દાખલ કરવો પડે છે અને ત્યાં સુનાવણી થાય છે. આ મહેસુલ પંચની કોર્ટ અમદાવાદ ખાતે આવી છે. આથી સુરતથી દક્ષિણ ગુજરાતના કોઇ પણ જિલ્લામાંથી કેસોની લડત ચલાવવા માટે અમદાવાદ સુધી દોડવુ પડે છે. પક્ષકારોનો ધક્કો ઓછો થાય તે માટે સુરત જિલ્લા કલેકટર દ્વારા ગાંધીનગર મહેસુલ વિભાગમાં રજુઆત કરતા સુરતના મહેસુલ પંચના કેસોની ઓનલાઇન સુનાવણી રખાઇ હતી. જેમાં સફળતા મળતા રાજય મહેસુલ પંચ દ્વારા હવે સુરતના જ નહીં. વલસાડ, તાપી, નવસારી એમ ચાર જિલ્લાના મહેસુલ પંચના કેસોની સુનાવણી સુરતમાં રાખવાનો નિર્ણય લીધો છે. આગામી જાન્યુઆરી 2024થી આખા વર્ષ દરમ્યાન મહિનાના બે દિવસ સુરત, નવસારી, તાપી, વલસાડ જિલ્લાના કેસોની સુનાવણી સુરત ખાતે અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન એ બ્લોક પ્રથમ માળ ગેટ નં.૩ ની પાછળના ભાગે સર્કિટ હાઉસની સામે થશે.



સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાના પક્ષકારોની સગવડતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય  લેવાયો હતો. આમ હવે મહેસુલ પંચના કેસો માટે અમદાવાદ ધક્કા ખાવા પડશે નહીં. તારીખ 18થી 19 જાન્યુઆરી, ફેબુ્રઆરીમાં 22થી 23, માર્ચ-એપ્રિલમાં 25થી 26, મે 27થી 28, જુન-જુલાઇમાં 25થી 26 દરમ્યાન, ઓગસ્ટમાં 29થી 30, સપ્ટેમ્બરમાં 26થી 27, ઓકટોબરમાં 24થી 25, નવેમ્બરમાં 28થી 29 અને ડિસેમ્બરમાં 26થી 27 ડિસેમ્બરના રોજ સુનાવણી રાખવામાં આવી છે. સુરતમાં ચાર જિલ્લાની મહેસુલ પંચની કોર્ટ જાન્યુઆરી થી શરૂ થતાં પક્ષકારોની અરજીથી લઇને જવાબો રજુ કરવા તેમજ કોર્ટને લગતી કામગીરી માટે કર્મચારીઓની પણ નિમણુંક કરી દેવામાં આવશે. આ માટે એક ડેપ્યુટી મામલતદારની સાથે જરૂરી સ્ટાફ માટેનો ઓર્ડર ટુક સમયમાં થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News