તમે જ્યારે પણ કોઇ નવો એન્ડ્રોઇડ ફોન ખરીદો છો, ત્યારે તેમાં સૌથી પહેલા ગૂગલની જ કેટલીક એપ ઇન્સ્ટૉલ હોય છે. તમે ઇચ્છો તો પણ તે હટાવી નથી શકતા કારણ કે, ગૂગલ મોબાઇલ ફોન ઉત્પાદન કરતી કંપનીઓને એ જ શરતે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપે છે કે, તેમણે તે એપ પ્રિ-ઇન્સ્ટૉલ રાખવી પડશે.
જોકે,બુધવારે ગૂગલે જાહેરાત કરી કે, હવે મોબાઇલ કંપનીઓ માટે ગૂગલ એપ પ્રિ- ઇન્સ્ટૉલ રાખવા ફરજિયાત નથી. આ એપ તેઓ રાખી શકે છે, પરંતુ આ માટે ગૂગલ તરફથી કોઇ દબાણ નથી. ગૂગલ પર આવી જ વિવિધ એપ્સ થકી જાહેરખબરના બજા૨માં એકાધિકાર જમાવવાનો આરોપ છે. ગૂગલે આ નિર્ણય લેવો પડ્યો છે કારણ કે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ગૂગલને રૂ. 1337.76 કરોડનો દંડ ભરવામાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સીસીઆઇ દ્વારા દંડ ફટાકારાયો તેનું કારણ એ હતું કે, ગૂગલ એન્ડ્રોઇડ ઓએસના બદલામાં બજારમાં પ્રતિસ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન કરતું હતું.
ગૂગલે જૂની વ્યવસ્થા કેમ બદલવી પડી?
એન્ડ્રોઇડ ફોનની ખરીદી વખતે ગૂગલ સર્ચ, મેપ, ક્રોમ, યુ-ટ્યૂબ જેવા ગૂગલના અનેક પ્રિ-ઇન્સ્ટૉલ એપ મળી જતા. યુઝર્સ ઇચ્છે તો પણ તે હટાવી ના શકતા. એટલે કે તેનો ઉપયોગ કરવો ફરજિયાત હતો, જે પ્રતિસ્પર્ધાના નિયમો વિરુદ્ધ છે. પરંતુ નવી વ્યવસ્થામાં યુઝર્સ આ એપ અનઇન્સ્ટૉલ કરી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500