દેશભરમાં ટામેટાંનો કિલોનો ભાવ 150ને પાર પહોંચી ગયો છે ત્યારે ટામેટાની ચોરીના બનાવો પણ બનવા માંડયા છે. એવો જ એક નવો કેસ કર્ણાટકમાં નોંધાયો છે. કર્ણાટકના હસન જિલ્લામાં એક ખેતરમાંથી તસ્કરો 50થી 60 બોરી ટામેટાં ઉઠાવી ગયા હતા. ત્યારે 120 રૂપિયા કિલોના ભાવે એ ટામેટાની કિંમત 2.5 લાખ જેટલી થાય છે. કર્ણાટકમાં હસન જિલ્લાના બેલુર તાલુકામાં આવેલા ગોની સોમનહલ્લી ગામમાં તસ્કરો રાતોરાત 50થી 60 બોરી ટામેટા ચોરી ગયા હતા.
એટલું જ નહીં, ટામેટાના રોપા પણ ખેદાન-મેદાન કરી નાખ્યા હતા. તેના કારણે ખેડૂત પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતની પત્ની ધરાનીએ બેલુર પોલીસ સ્ટેશનમાં 2.5 લાખની ટામેટાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેના કહેવા પ્રમાણે એક કિલો ટામેટાનો 120 રૂપિયા ભાવ છે. તેના ખેતરમાં એટલા ટામેટા હતા કે એને ઘણી ઊંચી આવકની અપેક્ષા હતી. ટામેટા બજારમાં લઈ જવા માટે તૈયાર જ હતા કે તસ્કરી થઈ હતી.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ટામેટાની ચોરીનો કેસ નોંધાયો હોય એવી પહેલી ઘટના છે. અગાઉ તેલંગણામાં પણ ટામેટાની ચોરીનો કેસ નોંધાયો હતો. રાજ્યના મહેબૂબાબાદ જિલ્લામાં એક વેપારીને ત્યાંથી ટામેટાની 20 કિલોની ત્રણ પેટી અને એક મરચાનું બોક્સ ચોરી થઈ ગયું હતું. લગભગ સાત હજારના ટામેટાની ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દેશભરમાં ટામેટા અને લીલા મરચાંના ભાવ આસમાને હોવાથી ચોરીના બનાવો વધ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500