કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને ધારાસભ્ય પ્રિયંક ખડગેને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચે કારણ દર્શક નોટિસ ફટકારી હતી. કમિશને કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ આચારસંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રિયંક ખડગેને નોટિસ પાઠવતા પૂછ્યું છે કે, પ્રધાનમંત્રીને ખરાબ શબ્દો કહેવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે? પ્રિયંક ખડગેએ આ નોટિસનો જવાબ ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં આપવાનો રહેશે. પ્રિયંક વિરુદ્ધ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંક ખડગેએ તાજેતરમાં તેમની એક ચૂંટણી રેલીમાં PM મોદી માટે ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રિયંક કર્ણાટકના ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે. આ વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના ધારાસભ્યને પણ ECએ માંગ્યો જવાબ
સોનિયા ગાંધી માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચે ભાજપના ધારાસભ્ય બસનગૌડા આર પાટીલ (યતનાલ)ને કારણ બતાવો નોટિસ પણ આપી છે. બસનગૌડા ભાજપના સ્ટાર પ્રચારક છે. તાજેતરમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં તેમની એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી માટે 'ઝેરી સાપ' શબ્દનો ઉપયોગ કર્યા પછી, બસનગૌડાએ સોનિયા ગાંધી માટે 'વિષ્કન્યા' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500