ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં યોજાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેનારા 3,800 જેટલા શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ શિક્ષકોના મૂલ્યાંકન કામગીરીમાં ઉપસ્થિત રહેવા માટે બોર્ડ દ્વારા ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હોવા છતાં તેઓએ બોર્ડની સુચનાનું ઉલ્લંઘન કરી હાજર રહ્યાં નહોતાં. બોર્ડ દ્વારા આ શિક્ષકો અને જે-તે સ્કૂલના સંચાલકોને નોટીસ ફટકારવામાં આવી છે, કે આગામી વર્ષ-2024માં યોજાનારી પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં ઉપસ્થિત નહી રહો તો સ્કૂલ અને શિક્ષક બંન્ને સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે.
ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં તેની જિલ્લાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહી ચકાસણીની કામગીરી હાથ ધરાતી હોય છે. માર્ચ-2023માં યોજાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાના મુલ્યાંકન માટે રાજ્યનાં કુલ 24,000 શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હતા. બોર્ડ દ્વારા જ્યારે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પ્રસિદ્ધ કરી એ દરમિયાન જ તમામ શિક્ષકોના મૂલ્યાંકન માટે ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હતા. તેમ છતાં ધોરણ.10માં 3,800 જેટલા શિક્ષકોએ ગુલ્લી મારી હતી. જેથી આ શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ પાઠવી તેનો રૂબરૂમાં ખુલાસાનો આદેશ અપાયો છે.
નોટિસના જવાબમાં હવે શિક્ષકો-સંચાલકો દ્વારા બોર્ડમાં મોટી ઓળખાણો અને મંત્રીઓ સુધીની પણ ભલામણો કરાવતાં હોવાનું જાણવા મળ્યું છે.બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં જોડાવાનું ન થાય એ માટે શિક્ષકો દ્વારા અત્યારથી જ ધમપછાડા કરવામાં આવી રહ્યાં છે. આગામી માર્ચ-2024માં મૂલ્યાંકન કામગીરી માટે ઓર્ડર ઈશ્યૂ ન થાય એ માટે શિક્ષકો-સંચાલકો દ્વારા ભલામણોનો દોર શરૂ કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500