Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોંધપાત્ર સિધ્ધિ : વર્ષ ૨૦૦૬થી અત્યાર સુધી કુલ ૭૭ વિદ્યાર્થીઓએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળામાં મેળવ્યો પ્રવેશ

  • August 03, 2023 

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીડોંરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના ઉજ્જવળ ભાવિ નિર્માણ અને કારકિર્દી ઘડતર માટે શિક્ષણ પ્રણાલીને ટેક્નોલોજી સાથે જોડીને ગુણવત્તાયુક્ત સ્માર્ટ શિક્ષણ સહિત કૌશલ્ય આધારિત શિક્ષણ આપવાની દિશામાં સઘન ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના સુંદર પરિણામો પણ ગ્રામીણક્ષેત્ર સુધી મળી રહ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શિક્ષણ વિભાગ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લામાં કામ કરી રહ્યું છે. નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ જિલ્લા પંચાયત હસ્તક ૬૮૦ પ્રાથમિક શાળાઓ, કે.જી.બી.વી. ૦૧ શાળા, ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓ ૪૯, આશ્રમ શાળાઓ ૬૭, જવ હર નવે દય ૦૧ શાળા, નોન- ગ્રાન્ટેડ શાળાઓ ૫૨ અને સરકારી માધ્યમિક શાળાઓ ૩૮ છે.



જિલ્લામાં કુલ મળીને પ્રાથમિક શાળાઓ ૮૮૮ છે. જેમાં અંતરિયાળ છેવાડાના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામની શ્રી જય જલારામ આશ્રમ શાળાનો પણ સમાવેશ થાય છે. ચોપડવાવની શાળા, શિક્ષણ પ્રણાલી અને સિધ્ધિઓની ચર્ચા કરતા પહેલા આપણે ગામનો પરિચય મેળવીએ તો આશરે ૨૭૦૨ જેટલી વસ્તી ધરાવતા આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી-પશુપાલન છે, અને સાક્ષરતા દર ૫૬.૫૪ ટકા છે. પ્રકૃતિની ખોળે વસેલુ આ હરિયાળું ચોપડવાવ ગામમાં પ્રાથમિક શાળા સહિત સરકારી માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીવાના પાણીની સુવિધા, પોસ્ટ ઓફિસ, આંગણવાડીઓ સહિત પ્રાથમિક ભૌતિક સવલતોથી સજ્જ છે. હવે વાત કરીએ શ્રી જય જલારામ આશ્રમ શાળા શ્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત અને કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તક ચાલતી આ શાળાની સ્થાપના ૨૩ જૂન, ૧૯૮૬ માં થઈ હતી. આદિજાતિ સમાજના બાળકોને સંસ્કાર સિંચન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું સરાહનીય કામગીરી કરી રહી છે.



શાળામાં હાલ ૯૮ કુમારો અને ૯૬ કુમારી સહિત કુલ ૧૯૪ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે માટે કુલ ૦૬ શિક્ષકો, ૦૨ અન્ય કર્મચારી ફરજ બજાવે છે. દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી રામજીભાઈ હિરાભાઇ વસાવાએ અંતરિયાળ અને પછાત વિસ્તારના આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ અને તેમના ભવિષ્યની ચિંતા કરીને વર્ષ ૧૯૮3 માં ભરૂચ જિલ્લા ગિરજન શિક્ષણ પ્રગતિ મંડળની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજદિન સુધી સમાજના કાર્યકર્તાશ્રી પ્રવિણ એન. પંડ્યા માનદ મંત્રીશ્રી તરીકેની જવાબદારી સ્વીકારી બાળકોના ભવિષ્યની ચિંતા કરીને દેડિયાપાડા તાલુકાના વિવિધ આશ્રમશાળાઓનું સંચાલન કરી રહ્યાં છે. ગામના અગ્રણીશ્રી પૃથ્વીરાજ ઠાકોરે ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂઆત અમારુ મકાન શૈક્ષણિક કાર્ય માટે આપ્યું હતું અને ત્યારથી બાળકોના શિક્ષણની સફર અવિરત પણે આગળ ધપી રહી છે અને સફળતાના શિખરો ઉત્તરોત્તર સર કરી રહી છે.



શાળાના મુખ્ય શિક્ષકશ્રી શાન્તુભાઈ વસાવા શાળામાં ઉત્સાહી શિક્ષકો દ્વારા ધોરણ ૧ થી ૮ ના બાળકોને સ્માર્ટ ક્લાસ થકી વધુ સરળ પદ્ધતિથી શિક્ષણ અને શૈક્ષણિક કાર્યના મૂલ્યાંકન સહિત બૌદ્ધિક કૌશલ્ય તથા કૌશલ્ય આધારિત શિક્ષણ આપવા માટે યોગ-વ્યાયામ, રમતગમત, પુસ્તકાલય, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બાળસભાનું આયોજન કરીને બાળકોને એક સુંદર વાતાવરણ પુરુ પાડવામાં આવે છે શાળાના બાળકો માટે રહેવા-જમવાની સુવિધા, બાળકોના અક્ષર સુધારવા, સુલેખન સ્પર્ધા બાળમેળાની પ્રવૃતિઓ, વાર્તાકથન, સવાર-સાંજના ભોજનના સમયનો સદ ઉપયોગ કાવ્ય ગાન તેમજ ઘડીયાનું નિયમિત ગાન જેવી પ્રવૃતિ કરવામાં આવે છે. ડિબેટ-નાટક-રંગોળી સ્પર્ધાઓ, વિવિધ દિવસોની ઉજવણી સહિત સવાર સાંજનુ ભોજન અને બપોરના નાસ્તા સાથે બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તેની પુરતી કાળજી શાળામાં લેવામાં આવે છે.


આશ્રમ શાળાની સિધ્ધિ ઉપર એક નજર કરીએ તો...


વર્ષ ૨૦૦૫ માં તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રીમાન એ.પી.જે. અબ્દુલ કલામના પ્રેરક ઉપસ્થિતિમાં સાયન્સ સીટી અમદાવાદ સાયન્સ સીટી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થી કિરણકુમાર વસાવાએ "ભૂગર્ભ જળ ઉંચુ લાવવાની પધ્ધતિ" ની થીમ ઉપર નર્મદા જિલ્લા વતી વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે વિધાર્થીઓ આજે આજ તાલુકાની ખોપી પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૦૬થી અત્યાર સુધી આ ૭૭ વિદ્યાર્થીઓએ એકલવ્ય શાળામાં પ્રવેશ પરીક્ષા પાસ કરીને પ્રવેશ મેળવીને શાળાની સિધ્ધિઓમાં ઉમેરો કર્યો છે. અહીંના બાળકો આજે મેડિકલ, ઈજનેર તથા અન્ય કોલેજ વિભાગમાં ઉચ્ચ અભ્યાસ કરીને શાળાની પ્રતિષ્ઠામાં વધારો કરી રહ્યા છે.


વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ-૮ના ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ આદર્શ નિવાસીમાં શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. શાળાના વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ગૃપ શાળા, બ્લોક-જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ માં દરમિયાન ગુણોત્સવમાં A ગ્રેડ, B ગ્રેડ અને A પ્લસ ગ્રેડ મેળવ્યો હતો. આ વર્ષે જય જલારામ શાળા નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમ તેમજ ગુજરાત રાજ્યમાં ૨૪મો ક્રમ મેળવ્યો છે.


શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથેના સંવાદ બાદ વાલીશ્રી ભરતભાઈ પાડવીએ પણ પોતાના પ્રતિભાવ આપતા જણાવે છે કે, શિક્ષણનો પાયો મજબુત હોય તો ભવિષ્ય ઉજ્જવળ જ બનશે. મારા પુત્ર રાહુલકુમાર પાડવીએ પણ અહીં પ્રાથમિક શિક્ષણ મેળવી બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે M.B.B.S.નો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. ચોપડવાવની આ શાળાનો ઇતિહાસ ખરેખર વિશાળ અને રસપ્રદ છે, શાળાઓની સિધ્ધિઓમાં સતત ઉમેરો થઈ રહ્યો છે. ચોપડવાવ ગામ માટે ગૌરવની બાબત છે કે અહીંના બાળકો પાયાનુ શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. બાળકોને અભ્યાસની સાથે અનેકવિધ પ્રવૃતિઓમાં રસ બતાવી બાળકોના કૌશલ્ય વિકાસનું કામ શ્રી જય જલારામ આશ્રમ શાળા કરી રહી છે તે નોંધનીય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application