મંગળવારે લોકસભામાં સરકાર સામેની અવિશ્ર્વાસની દરખાસ્તની ચર્ચાનો આરંભ કૉંગ્રેસ તરફથી કરવાનું રાહુલ ગાંધીએ ટાળતાં પક્ષના અન્ય સાંસદ ગૌરવ ગોગોઇએ ચર્ચાની શરૂઆત કરી હતી. અગાઉ અવિશ્ર્વાસની દરખાસ્ત પર વક્તવ્યનો આરંભ વિપક્ષ તરફથી રાહુલ ગાંધી કરનાર હોવાની ચર્ચા ચાલતી હતી. મણિપુર બાબતે મોદીની ચુપકીદી તોડવા અવિશ્ર્વાસની દરખાસ્ત લાવ્યા હોવાનું કૉંગ્રેસ તરફથી ગોગોઇએ જણાવ્યું હતું.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે અવિશ્ર્વાસની દરખાસ્ત પરના અગ્રણી વક્તાઓની યાદીમાંથી રાહુલ ગાંધીનું નામ છેલ્લી ઘડીએ શા માટે પાછું ખેંચાયું ? એ વખતે ભાજપના નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે કદાચ તેમની પુરતી તૈયારી નહીં હોય અથવા સવારે મોડા ઉઠ્યા હશે.ગૌરવ ગોગોઇએ અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરતી વેળા જણાવ્યું હતું કે અમને અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાની ફરજ પડી છે. આ દરખાસ્ત પક્ષોના સંખ્યાબળના સંદર્ભમાં નથી. મણિપુર માટે ન્યાયની માગણી અર્થે છે. ગૃહ સરકારમાં અવિશ્ર્વાસ દર્શાવે છે, એમ જણાવતાં હું અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરૂં છું. વિપક્ષી મોરચાએ મણિપુરને ન્યાય મળે એ માટે અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરી છે.
એ સાથે ગૌરવ ગોગોઇએ ગૃહમાં ત્રણ સવાલો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાને સંસદમાં કઈં ન બોલવાનો સંકલ્પ કર્યો છે, જાણે મૌન વ્રત લીધું છે. તેમનું મૌન તોડાવવા માટે અમે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવ્યા છીએ. અમારા ત્રણ સવાલો છે. ૧-વડા પ્રધાને અત્યાર સુધી મણિપુરની મુલાકાત કેમ લીધી નથી ? ૨-તેમને મણિપુર વિશે બોલતાં ૮૦ દિવસ કેમ લાગ્યા અને બોલ્યા ત્યારે ફક્ત ૩૦ સેક્ધડ બોલ્યા ? અત્યાર સુધી મણિપુરના મુખ્ય પ્રધાનની હકાલપટ્ટી કેમ કરાઈ નથી? ગૌરવ ગોગોઇએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મણિપુરની મુલાકાતે જાય અને એ રાજ્યમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે એવી વિરોધ પક્ષોની માગણી છે. વડા પ્રધાને મણિપુરના સ્થાનિક સંગઠનોને મળીને એ રાજ્યમાં શાંતિ સ્થાપવાના નિષ્ઠાભર્યા પ્રયત્નો કરવા જોઇએ. મણિપુરની રાજ્ય સરકાર હિંસાને ડામવામાં નિષ્ફળ ગઈ તથા ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગયા તેથી વડા પ્રધાન કંઈ બોલી શકતા નથી. તે ઉપરાંત વડા પ્રધાન પોતાની ભૂલો સ્વીકારવામાં માનતા નથી. તેઓ રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જાહેરમાં સ્વીકારશે નહીં, તેથી મૌન ધારણ કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500