હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટી ઘટતા વાહનોમાં દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે.
સોનગઢના ગણેશનગર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થયું હતું તથા વીજપોલ નમી પડ્યું હતું,જોકે આ મામલે સોનગઢ નગર પાલિકાને જાણ કરવામાં આવતા ફાયર ટીમના જવાનો અને વીજળી શાખા તેમજ આરોગ્ય સહકારી ટીમે સ્થળ પર પહોંચી પડેલા વૃક્ષોને વાયરો પરથી કાપી,નમી પડેલા વિજપોલને નીચે પાડ્યા હતા.જયારે ઉચ્છલમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
સોનગઢના ગ્રામ્યમાં વિજળી પડવાના કારણે બે જુદાજુદા બનાવોમાં ૨ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
રાજ્યમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે,ઠેર ઠેર માવઠાના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે તાપી જિલ્લામાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, સોનગઢના ખાંભલા ગામે નિશાળ ફળીયામાં રહેતા અર્જુનભાઈ ગંજીભાઈ ગામીત (ઉ.વ.૫૨) પોતાના ખેતરમાં ભાતના પુળીયા ઢાંકતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે અર્જુનભાઈ ગામીતના ઉપર વીજળી પડતા તેઓ શરીરે ડાબીબાજુના ખભાથી નીચે સુધી દાઝી જતા મોત નિપજ્યું હતું.જયારે વિજળી પડવાના બીજા બનાવમાં સોનગઢના ગુંદી ગામે ગાજવીજ સાથે આકાશી વિજળી પડતા ગામના મંદિર ફળીયામાં રહેતી કુસુમબેન પાયાભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું.ખેતરમાં ભાત પુળીયા ઢાંકવા માટે ગયા હતા પરત ઘરે ફરતા વિજળી પડી હતી.
કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકશાન થવાની ભીંતી
આમ સોનગઢ તાલુકાના ગ્રામ્યમાં વિજળી પડવાના કારણે બે જુદાજુદા બનાવોમાં ૨ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તાપી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ ખાબકી જતા વાડી ખેતરો છલોછલ થયા હતા,કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકશાન થવાની ભીંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500