તાપી સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. તાપી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસો ઘટતા એક્ટિવ કેસ ઓછા થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના નવા કેસ ની સંખ્યા ઓછી થતાં હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા પણ વધી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યાં વ્યારાની જનરલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી. ત્યાં હવે એકાદ બે એમ્બ્યુલન્સ જ દેખાઈ રહી છે. જે તાપી જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, તા.ચોથી જુન ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના માત્ર ૩ કેસ નોંધાયા છે. જેમાં વ્યારાના ચાંપાવાડી ગામે ૨૫ વર્ષીય મહિલા, ડોલવણના રાયપુરામા ૬૨ વર્ષીય મહિલા અને વ્યારાના ચંદનવાડીમાં ૫૨ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે વધુ ૬ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ ૩૦ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૫૪ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૦૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૬૧૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૯ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૩ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500