કોરોના મહામારી દરમિયાન ચીનથી પરત ફરેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. કોરોના મહામારી દરમિયાન ચીન દ્વારા મૂકવામાં આવેલા વિઝા અને ફલાઇટના પ્રતિબંધને ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓ ફરીથી ચીન જઇ શક્યા નથી. ચીને જાહેરાત કરી છે કે, તે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઅને પત્રકારોને જણાવ્યું હતું કે, ચીન ભારતીય વિદ્યાર્થીએોના અભ્યાસ માટે અહીં પરત ફરવાની ચિંતાઆને મહત્ત્વ આપે છે. લિજિઅને જણાવ્યું છે કે, અન્ય દેશોના વિદ્યાર્થીઓની ચીન પરત ફરવાની પ્રક્રિયાની માહિતી અમે ભારતને આપી છે અને તેના આધારે આગાળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઅને બેઇજિંગમાં આયોજિત પત્રકાર પરિષદમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત બોલાવવાની પ્રક્રિયા અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી છે. ભારતે એવા વિદ્યાર્થીઓની યાદી અમને સુપ્રત કરવાની જરૂર છે જેમને ખરેખર ચીન આવવાની જરૂર છે. લિજિયને જણાવ્યું હતું કે, અગાઉના અહેવાલો અનુસાર 23 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ એવા છે જે મોટાભાગે ચીનમાં સ્થિત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મેડીકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યાં છે.
તેઓ વર્ષ-2019માં ચીનમાં શરૂ થયેલી કોરોના મહામારી દરમિયાન ચીનથી ભારત પરત આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ ચીન પરત જઇ શક્યા નથી. કોરોના સંક્રમણને અટકાવવા માટે ચીન દ્વારા મૂકવામા આવેલા પ્રતિબંધોને કારણે તેઓ ફરીથી ચીન પરત જઇ શક્યા નથી. ચીને ભારતમાંથી ફલાઇટ અને વિઝા રદ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત ચીનમાં નોકરી કરતા અનેક પરિવારો પણ ચીન પરત જઇ શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, ચીને છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાન, થાઇલેન્ડ, સોલોમોન આઇલેન્ડ જેવા પોતાના મિત્રો દેશોના વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500