Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરનાં ગડી અને કપરાડાનાં ગિરનાળામાં રૂપિયા ૧-૧ કરોડનાં ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રીનાં હસ્તે લોકાર્પણ કરાયું

  • June 05, 2023 

૮ કલાસ રૂમ, સ્ટાફ ઓફિસ, પ્રિન્સીપાલ ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટરના બાંધકામ સાથે સોલાર પેનલ પણ મુકાઈ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગડી ગામમાં રૂ.૧ કરોડ અને કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં રૂ.૧ કરોડના ખર્ચે અનુસૂચિત જન જાતિના બાળકો માટે જિલ્લા પંચાયત સંચાલિત નવનિર્મિત આશ્રમશાળાનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારના રોજ વરસતા વરસાદના ખુશનુમા માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સરકાર આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યોની ધુણી ધખાવી રહી છે.


જેમાં પણ ખાસ કરીને શિક્ષણનું પ્રમાણ સતત વધતુ રહે તે માટે અનેક કાર્યો થઈ રહ્યા છે. જે અંતર્ગત ધરમપુરના ગડી અને કપરાડના ગિરનાળા ખાતે આદિવાસી બાળકો માટે રેસિડેન્સીયલ સ્કૂલ અને સંપૂર્ણ ભોજનાલયની વ્યવસ્થા સાથે આશ્રમશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ કરનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની અભિનંદનને પાત્ર છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી આદિવાસી વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. સાથે સાથે લોકો પણ વિકાસના કાર્યોમાં સહભાગી બનતા આ વિસ્તારની કાયાપલટ કરવામાં સફળતા મળી છે.


ધરમપુરની ગડી આશ્રમશાળામાં રૂ.૫૦ લાખ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી તરફથી ૧૫માં નાણાપંચમાંથી અને રૂ.૫૦ લાખ વાપીની ગુજરાત થેમીસ બાયોસીન લિ.કંપની દ્વારા સીએસઆર ફંડ હેઠળ આપવામાં આવ્યા હતા. જેમાંથી હાલ ગડી આશ્રમશાળામાં અભ્યાસ કરતા ૧૩૧ વિદ્યાર્થી માટે સ્કૂલ બિલ્ડીંગમાં ૮ કલાસરૂમ તેમજ સ્ટાફ ઓફિસ અને પ્રિન્સીપાલ ઓફિસના મકાનના બાંધકામનો સમાવેશ થાય છે. ઉપરાંત દુરથી આવતા વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરી શકે એ માટે ૭૬ બેડ છોકરાઓ માટે અને ૭૬ બેડ છોકરીઓ માટે અલગ રહેવાની સુવિધા તેમજ જમવા માટે મેસની સુવિધા સાથેના મકાનના બાંધકામનો સમાવેશ થાય છે.


આ સિવાય પાણીની સુવિધા માટે ૧૫માં નાણાપંચમાંથી રૂ.૫ લાખ, આશ્રમશાળામાં ફર્નિચર માટે સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી રૂ.૪ લાખ અને સ્વભંડોળમાંથી રૂ.૧૪-૧૪ લાખના ખર્ચે ગડી અને ગિરનાળા આશ્રમ શાળામાં સોલાર પેનલ, ગડીમાં સ્ટાફ ક્વાર્ટર રિનોવેશન અને ગિરનાળામાં મેસ રિનોવેશનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કપરાડા તાલુકાના ગિરનાળા ગામની આશ્રમશાળાના નવનિર્માણ માટે રૂ. ૫૦ લાખ ૧૫માં નાણાપંચ અને રૂ.૫૦ લાખ પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિ.મુંબઈના સી.એસ.આર. ફંડમાંથી ફાળવાયા હતા. ગિરનાળા આશ્રમશાળામાં હાલમાં અભ્યાસ કરતા ૧૪૩ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બિલ્ડિંગમાં કુલ ૮ કલાસ રૂમ, સ્ટાફ ઓફિસ અને પ્રિન્સીપાલ ઓફિસનું મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે.


ઉપરાંત દુરથી આવતા વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરી શકે એ માટે ૭૬ બેડ છોકરાઓ માટે અને ૭૬ બેડ છોકરીઓ માટે અલગ રહેવાની સુવિધા તેમજ શિક્ષકોના રહેવા માટે ૩ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા સાથે મકાનનું બાંધકામ કરાયું છે. જેમાં પાણીની સુવિધા માટે રૂ.૨૫ લાખ ૧૫માં નાણાપંચમાંથી અને આશ્રમશાળાના ફર્નિચર માટે રૂ.૪ લાખ સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી ફાળવાયા હતા. આદિવાસી લોક સંસ્કૃતિની ઓળખ સમા નૃત્ય અને સંગીતના સથવારે મંત્રી કનુભાઈ દેસાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application