ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતાપૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.
આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા ભગવાનના શ્રીચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો.નવનિયુકત મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500