Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન્યૂઝીલેન્ડે ભારતીયો માટે વિઝાના નિયમો કડક કર્યા

  • April 11, 2024 

UK, USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત દુનિયાભરમાં ભારતીયો ફેલાયેલાં છે. ધંધા-રોજગારની શોધમાં લોકો સાતસમુંદર પાર કરીને મહેનત કરવા જોવા મળે છે. આવી સ્થિતિમાં એક દેશમાં તુરંત ભારતીયોને વિઝા મળી જતા હતા. પણ હવે એમાં પણ મોટા ડખા ઉભા થયા છે. હાલ ત્યાં પણ ભારતીયો માટે વિઝાના નિયમો કડક કરી દેવાયા છે. અહીં વાત થઈ રહી છે ન્યૂઝીલેન્ડની. ન્યૂઝીલેન્ડે પણ વિઝા નિયમો વધુ કડક કરતા ભારતીયોને મોટો ફટકો પડ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર ન્યૂઝીલેન્ડમાં વિઝા નિયમોમાં ફેરફારો બાદ ભારતીયો તથા અન્ય ઇમિગ્રન્ટ્સ માટે જોબ મેળવવાનું મુશ્કેલ બની જશે.


ન્યૂઝીલેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીયોની સંખ્યા સતત વધી રહી હતી. ન્યૂઝીલેન્ડમાં ૨૦૧૮માં થયેલી વસ્તીગણતરી મુજબ ૪.૭% ભારતીયો હતા. ભારતીય વિદેશ મંત્રાલયે ઓક્ટોબર, ૨૦૨ ૩માં જણાવ્યું હતું કે કુલ અઢી લાખ ભારતીયો ન્યૂઝીલેન્ડમાં કાયમી ધોરણે સ્થાયી થયેલા છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા બાદ હવે ન્યૂઝીલેન્ડે પણ દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવા વધુ કડક વિઝા નિયમો જાહેર કર્યા છે, દેશમાં જોબ્સ માટે ક્વોલિફાય થવાની જરૂરિયાતો વધારી છે. ન્યૂઝીલેન્ડના આ નિર્ણયને પગલે ત્યાં જોબ શોધતા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે.


ન્યૂઝીલેન્ડમાં જોબ્સ માટે ક્વોલિફાય થવાની નવી જરૂરિયાતોમાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, વર્ક એક્સપિરિયન્સ અને સ્કિલ ક્રાઇટેરિયા ઉપરાંત વર્ક પરમિટ સાથે ન્યૂઝીલેન્ડમાં સ્ટેનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારનો આશય દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવાનો છે. ન્યૂઝીલેન્ડ સરકાર સાથે સંલગ્ન વેબસાઇટ ENZ.orgના આંકડા મુજબ ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૧૮ હજાર ભારતીયો ન્યૂઝીલેન્ડ માઇગ્રેટ થયા છે. ન્યૂઝીલેન્ડના મુખ્ય ટેમ્પરરી વર્ક વિઝા એક્રેડિટેડ એમ્પ્લોયર વર્કર વિઝા (AEWV)માં ફેરફારોની ત્યાંનાં ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે જાહેરાત કરી હતી.


કોરોના મહામારી અને લૉકડાઉન્સના કારણે સર્જાયેલી વર્કફોર્સની શોર્ટેજ દૂર કરવા ૨૦૨૨માં આ વિઝા લવાયા હતા. વિઝા નિયમોમાં મુખ્ય ત્રણ ફેરફાર કરાયા છે. લો-સ્કિલ જોબ્સ માટે અંગ્રેજી ભાષાની આવશ્યક્તાઓ લાગુ કરાશે. મોટાભાગના વર્ક વિઝા માટે કામના અનુભવ અથવા યોગ્ય લાયકાતના રૂપમાં સ્કિલ્સની લઘુતમ મર્યાદા જરૂરી રહેશે. વર્ક પરમિટ પર સતત રહેવાની મહત્તમ મંજૂરી પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરાશે. નોકરી માટે અરજી કરનારા કોઇ યોગ્ય અને ઉપલબ્ધ ન્યૂઝીલેન્ડર ઉમેદવારો ન હોવાની ખાતરી કર્યા પછી જ ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખવા એમ્પ્લોયર્સને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેનો હેતુ માત્ર ઇમિગ્રેશનને નિયંત્રિત કરવાનો નહીં પણ સ્થાનિકોને વધુ રોજગારી આપવાનો અને તેમને દેશમાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. ૨૦૨૩માં ન્યૂઝીલેન્ડમાં ૪૭,૦૦૦ નાગરિકો ઘટ્યા હતા, જેઓ કામની વધુ સારી તકો માટે અન્ય દેશોમાં સ્થાયી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application