મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી લેનાર સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.સુરતના રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા છે. રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકને ડ્રગ્સ આપનાર લબરમુછીયાને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂપિયા 15.23 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળેલી બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટીયા તરફ જતા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની સામેથી પત્ની સાથે બર્ગમેન મોપેડ પર જતા અફશરઅલી અશરફઅલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 2,53,700/-ની મત્તાનું 25.370 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબ્જે કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે તેના ગોરાટ કોઝવે રોડ સુકુન એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં પણ જડતી લેતા ત્યાંથી પણ વધુ રૂપિયા 73,900/-ની મત્તાનું 7.390 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 32.760 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઉપરાંત બર્ગમેન મોપેડ, 100 જેટલી પ્લાસ્ટીકની થેલી વિગેરે મળી કુલ રૂપિયા 3,86,500/-નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેને કાદરશાની નાળ ખાતે રહેતા અયાને આપ્યાની કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી અયાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ તરફ ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમ ભેસ્તાન ગણેશ કૃપા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફુટ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે વરસતા વરસાદમાં એક યુવક પોલીસને જોઈ ભાગતા તેને ઝડપી પાડી પૂછતાં તે યુવાન નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજાએ પોતાની પાસે એમ.ડી.ડ્રગ્સ હોય ગભરાઈને ભાગતો હોવાની કબૂલાત કરી હતી. આથી ક્રાઈમ બ્રાન્ચે તેની જડતી લેતા તેની પાસેથી રૂપિયા 8,02,600/-ની મત્તાનું 80.26 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને 64 જેટલી પ્લાસ્ટીકની થેલી મળી હતી. ત્યાં ભાડેથી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા નિર્મિતની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત રોકડા રૂપિયા 14 હજાર, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા 8,56,700/-નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો વરાછાના જય મકવાણા અને અન્યોએ આપ્યાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા અને અયાનને શોધવા ક્રાઈમ બ્રાન્ચની જુદીજુદી ટીમો કામે લાગી હતી. તે અરસામાં એક ટીમને વરાછા હીરાબાગ સર્કલથી અશ્વનીકુમાર રોડ તરફ જતા ડાબી બાજુના સર્વિસ રોડ ઉપર શિવશક્તિ ડાયમંડ કંપનીની સામે એક્ટીવા ઉપર બેસેલો જયેશ ભાણાભાઈ મકવાણા મળ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેના એક્ટીવાની ડીકીની જડતી લેતા તેમાંથી રૂપિયા 2.30 લાખની મત્તાની 23 ગ્રામ એમ,ડી,ડ્રગ્સ મળતા ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.2,80,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે જયેશની પુછપરછ કરતા તે ત્રણ દિવસ અગાઉ મુંબઈના આદિત્ય પાસેથી એમ,ડી,ડ્રગ્સ સુરતમાં છૂટક વેચવા લાવ્યો હતો અને અન્યોને આપ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુંબઈના આદિત્યને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500