રાજસ્થાન તરફથી મુસાફરો ભરીને આવતી ગાડી રતનપુર બોર્ડર પાસે ટ્રક સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં રહેલા 7 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બીછીવાડા અને શામળાજી સારવાર માટે ખસેડ્યા હતા. જોકે બે મુસાફરોને વધુ ગંભીર ઇજાઓના કારણે તેમને હિંમતનગરમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં મોતનો આંકડો હવે 9 થઈ ગયો છે એટલે કે, વધુ બે મુસાફરોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે.
રાજસ્થાનના શ્રમજીવીઓ મજૂરી અર્થે ગાડીમાં અમદાવાદ જઈ રહ્યા હતા અને અચાનક અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ આજે અકસ્માતના વધુ ત્રણ કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં પાટણ જિલ્લામાં સાંતલપુરના સીધાડા ગામ નજીક એસટી બસ પલટી જતાં 10 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે સુરેન્દ્રનગરના વણા ગામ નજીક એસ.ટી. બસનો અકસ્માત સર્જાયો છે. બસ પલટી જતાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાં છે. લખતર પાસેના વણા ગામ પાસે પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલા યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તે ઉપરાંત રાજકોટ શહેરમાં પણ હિટ એન્ડ રનનો મામલો નોંધાયો છે. શહેરના નવા 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થયાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત સુરતમાં પણ ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો જેમાં એક યુવકનું મોત થયું હતું અને બે મિત્રોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. ગરબા રમીને પરત ફરતાં બાઈક ઝાડ સાથે અથડાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500