Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સહારા દરવાજા પાસે મુસાફરે લોકોની મદદથી રીક્ષા ચાલક ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડ્યા

  • September 26, 2021 

પુણા આઈમાતા ચોકથી સહારા દરવાજા સુધી રીક્ષા ભાડે કરનાર મુસાફરને બેસવાનું ફાવતુ નથી આગળ પાછળ ખસવાનુ કહી નજર ચુકવી રીક્ષા ચાલક ટોળકીએ રોકડા ૩૨ હજાર અને મોબાઈલ ચોરી લીધા બાદ સહારા દરવાજા પાસે ઉતારી દીધો હતો. જોકે મુસાફરને તેના ટોળકીએ પૈસા ચોરી લીધા હોવાનો ખ્યાલ આવતા બુમાબુમ કરી લોકોની મદદથી ટોળકીના રીક્ષા ચાલક સહિત બે જણાને પકડી પાડ્યા હતા જયારે બે જણા ભાગી છુટ્યા હતા. પોલીસે આરોપીઓનો કબજો લઈ મુસાફરની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

પુણા પોલીસના જણાવ્યા મુજબ પુણા આઈમાતા રોડ ડી.આર.વર્લ્ડની ગલીમાં સરીતા વિહાર સોસાયટીમાં રહેતા શિવરામ ખેમારામ ચૌધરી (ઉ.વ.૨૨) રિંગરોડ આર.કે.ટી.એમ માર્કેટમાં આવેલ યશોદા ફેશ નામની દુકાનમાં નોકરી કરે છે. શિવરામ ગઈકાલે સવારે દસ વાગ્યે આઈમાતા રોડ પાસેથી સહારા દરવાજા જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલા થી જ ત્રણ મુસાફરો બેઠા હતા. શિવરામને રીક્ષામાં વચ્ચે બેસાડ્યા બાદ અજાણ્યાઓએ બેસવાનું ફાવતુ નથી કહી આગળ પાછળ ખસવાનુ કહી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડા ૩૨ હજાર અને મોબાઈલ ચોરી લીધો હતો. ત્યારબાદ સહારા દરવાજા તરફ જવાનના રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલપંપ પાસે રીક્ષા ઉભી રાખી ઉતારી દીધો હતો.

 

 

 

 

જોકે શિવરામને રીક્ષા ચાલક ટોળકીએ તેના પૈસા અને મોબાઈલ ચોરી લીધો હોવાની ખબર પડી જતા જોરજોરથી ચોર ચોરની બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને તેમની મદદથી રીક્ષાને ઉભી રખાવી રીક્ષા ચાલક પવનકુમાર રામપ્રસાદ ગુપ્તા અને દાઉદખાન આમીનખાન પઠાણ (રહે, ભેસ્તાન આવાસ)ને પકડી પાડી તેમની પાસેથી ચોરાયેલા પૈસા અને મોબાઈલ કબજે કર્યા હતા ત્યારબાદ શિવરામે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પુણા પોલીસ સ્થળ પર આવી બંને આરોપીઓને કબજો મેળવ્યો હતો અને શિવરામની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી તેના બે સાગરીતોની શોધખોળ શરુ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application