નવસારી વાંસદા તાલુકાનાં ચારણવાડા ગામ પાસે વાંસદાથી ડોલી પિલાવીને ડાંગ તરફ જતા પીકઅપનાં ચાલકે રોંગ સાઇડ સામેના ટ્રેક ઉપર આવતા નાસિક તરફ જતી એસ.ટી. બસનાં ચાલકે પાછળથી ટક્કર મારતા પીકઅપ પલ્ટી મારી ગઇ હતી. જોકે પીકઅપમાં બેસેલા લોકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી અને પીકઅપમાં સવાર 20 લોકોને 108માં કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જેમાં ગંભીર ઈજાને પગલે બે મહિલાના મોત નિપજ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાના ચારણવાડા ગામના ગણેશ ગેસ્ટ હાઉસની સામે મળસ્કે વાંસદાથી ડોળીનું પિલાણ કરી પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/6283નો ચાલક હસમુખ ચીમનભાઈ કોંકણી (રહે.આમુનીયા, તા.ડોલવણ, જિ.તાપી) 20 લોકોને વાહનમાં બેસાડી વઘઈ તરફ જઈ રહ્યો હતો.
તે દરમિયાન સામેથી રોંગ સાઈડના ટ્રેક ઉપર નીકળવા જતા પાછળથી કડીથી નાસિક તરફ જતી એસ.ટી. બસ નંબર GJ/18/Z/9146નો ચાલક લગધીરભાઈ નારાયણભાઈ દેસાઈ (રહે.રજપુરા,રાનતેજ,તા. બહુચરાજી,મહેસાણા)એ બસને બ્રેક મારી કન્ટ્રોલ કરતા પીકઅપનો કંડકટર સાઈડથી ટક્કર લાગી હતી. જયારે ટક્કર લાગતા પીકઅપ રોડ પર પલ્ટી મારી ગઇ હતી. જેને પગલે પીકઅપમાં બેસેલા તમામ 20 લોકો રોડ પર પટકાયા હતા. તમામને લોહી લુહાણ હાલતમાં રોડ પર પડેલા જોતા બસના ચાલકે 108ને ફોન કરતા ઘટનાસ્થળે 108 ધસી આવી તમામને વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
.
જ્યાં હોસ્પિટલનાં ડોક્ટરોએ તમામ ઈજાગ્રસ્તોની સારવાર કરી હતી. જેમાંથી સાયજીબેન ધીરુભાઈ કોંકણી (રહે.આમુનિયા,તા.ડોલવણ,જિ.તાપી) અને નીરૂબેન કનુભાઈ કોંકણી (રહે.આમુનીયા,તા.ડોલવણ,જિ.તાપી)નું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ વાંસદા પોલીસને થતાં પોલીસ સ્ટાફ તથા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા તથા કોટેજ હોસ્પિટલમાં જઈ ઇજાગ્રસ્તોની મુલાકાત કરી યોગ્ય સારવાર માટે મદદરૂપ થયા હતા.
અકસ્માતમાં ઈજા પામેલ ઈજાગ્રસ્તોની યાદી...
ગમજુભાઇ કોંકણી, રમીલાબેન કોંકણી, ખુશીબેન કોંકણી, ઈશ્વરભાઇ કોંકણી, તેજલબેન કોંકણી, મહિમાબેન કોંકણી, હિનાબેન કોંકણી (તમામ રહે.આમોનિયા, નિચલું ફળિયું, તા ડોલવણ, જિ. તાપી), રૂપલબેન કોંકણી, ઈલાબેન કોંકણી, જયવંતીબેન કોંકણી, ફુલુબેન કોંકણી, પ્રવિણાબેન કોંકણી, સુરેશભાઇ કોંકણી (તમામ રહે.આમોનિયા,ઉપલું ફળિયું,તા.ડોલવણ,જિ.તાપી), લક્ષ્મીબેન ભીલ અને શૈલેષભાઇ ભીલ (રહે.ડુંગરડા,નિર્પણ ફળિયું,તા.ડોલવણ,જિ.તાપી), કનુભાઇ કોંકણી, મહિનાબેન કોંકણી (રહે.આમોનિયા,નિશાળ ફળિયું,તા.ડોલવણ,જિ.તાપી) અને રડુબેન કોંકણી (રહે.આમોનિયા,તા. ડોલવણ,જિ.તાપી)નો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500