નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના ચાર સભ્યો સામે છેડતીના આરોપોની તપાસ કર્યા બાદ યુપી પોલીસે તેમને ક્લીનચીટ આપી દીધી છે. કોર્ટે પોલીસની એફઆર સ્વીકારીને આ કેસની ફાઇલ બંધ કરીને અભિનેતાને રાહત પણ આપી છે. લગભગ દસ વર્ષ પહેલાં, બિગ બોસ ઓટીટી સ્પર્ધક અને નવાઝુદ્દીનસિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ કોર્ટમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
આલિયા સિદ્દીકીએ પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે નવાઝુદ્દીનના ભાઈ મિનાજુદ્દીને 2012માં પરિવારના એક સગીર સભ્યની કથિત રીતે છેડતી કરી હતી, જેમાં અન્ય લોકોએ પણ તેને ટેકો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલાની તપાસ કર્યા પછી, પોલીસે ગયા વર્ષે એફઆર (ફાઇનલ રિપોર્ટ) સબમિટ કર્યો હતો, જેમાં અભિનેતા અને તેના પરિવારને આ મામલે ક્લીનચીટ આપવામાં આવી હતી. પોલીસ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ પોક્સો એક્ટ કોર્ટના જજ રિતેશ સચદેવાએ ફરિયાદીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
ત્યારે આલિયા સિદ્દીકીએ કોર્ટ પાસે પોલીસ એફઆઈઆર રદ કરવા વિરોધ અરજી દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. અનેક તકો અને નોટિસો છતાં ફરિયાદી કોર્ટમાં હાજર થયો ન હતો. પરિણામે, કોર્ટે તેની અરજી ફગાવી દીધી, પોલીસ અહેવાલ સ્વીકાર્યો અને ફાઇલ બંધ કરી દીધી. આખરે, 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના ચાર સભ્યોને તેમની સામેના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આલિયા સિદ્દીકીની વાત કરીએ તો, ત્રણ અઠવાડિયા પહેલા, તેણે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેની 14મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ પોસ્ટના કેપ્શનમાં આલિયાએ લખ્યું હતું કે, “હું મારા એકમાત્ર પાર્ટનર સાથે લગ્નજીવનના 14 વર્ષની ઉજવણી કરી રહી છું. વર્ષગાંઠની શુભેચ્છા."
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500