નવસારી શહેરનાં દેવીના પાર્ક વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાજુમાં જ ચાલી રહેલ ટાઉન હોલનાં કામના સ્થળ પર બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ટાઉન હોલની કન્સ્ટ્રકશન સાઈટ પાસેથી પસાર થતી 66 KV વીજળીની લાઈન નીચે જ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા રેતીના ઊંચા ઢગલા પર બંને વિદ્યાર્થીઓ પહોંચી જતા અકસ્માતે વીજળીની લાઈનને અડી જતા કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના મામલે નવસારી પાલિકા અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં દેવીના પાર્ક વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો નિલેશ દેવીપૂજક અને ધોરણ 5માં અભ્યાસ કરતો અર્જુન દેવીપૂજક શાળામાં રિસેસ પડતા જમવા માટે નીકળ્યા હતા. શાળાની બાજુમાં જ હાલ નવસારી નગરપાલિકાના ટાઉન હોલનું કામ ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રકશન સાઈટ પર વીજળીની 66 KVની લાઈન નીચે જ કરાયેલા રેતીના ઢગલા પર વિદ્યાર્થીઓ રમત રમતમાં ચડી ગયા હતા અને અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો. હાઈટેન્શન વીજ લાઈનનો કરંટ લાગવાના કારણે નિલેશ દેવીપૂજક નામનો વિદ્યાર્થી 50 ટકા કરતા વધુ દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અર્જુન પણ 20 ટકા દાઝી ગયો છે. હાલ બંનેને નવસારીની પારસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. નવસારી ટાઉન હોલની સાઈટ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતની શાળાના બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યાની જાણ થતા નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રમુખે કહ્યું હતું કે, અમે બાળકોને પારસી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં અભિપ્રાય માટે લાવ્યા છીએ. ત્યારબાદ તબીબના અભિપ્રાય મુજબ બાળકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડીશું. અમારી હાલ પ્રાથમિકતા બાળકોને બચાવવાની છે. આ બાબતે જે જવાબદાર હશે તેની તપાસ કરીને પગલા લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500