નવસારીમાં બે દિવસ પહેલા વિજલપોર વિસ્તારમાં રહેતા એક યુવકને અંગત અદાવતમાં ઢોર માર મારી તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી ભાઈગીરી કરતા યુવાનોની હવા પોલીસે કાઢી છે. પીડિત યુવાનને ડંડા અને લોખંડની પાઈપ વડે માર મારતો વીડિયો સામે આવતા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી ત્રણ યુવાનોને ઝડપી જાહેરમાં કાન પકડાવી સરઘસ કાઢી ઉઠક બેઠક કરાવી હતી. આ અસામાજિક તત્વો સામે પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક જનતા પણ પ્રભાવિત થઈ હતી.
નવસારીમાં વિજલપોર ખાતે રહેતા ગોપાલ જગતાપ નામના એક યુવકને બે દિવસ પહેલા અંગત અદાવતમાં સિદ્ધુ થોરાટ,આકાશ આમરે અને મયુર ઉર્ફે કોક્રોચે જાહેરમાં લાકડાના ડંડા અને લોખંડની પાઇપ વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો બનાવીને આરોપીઓએ સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો અને સામાન્ય લોકોના મનમાં પોતાનો ખોફ પૈદા કરવા અને ભાઈગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,આ વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી હતી અને આરોપી આ ત્રણેય યુવાનોને ઝડપી લીધા હતા.
લોકોએ પોલીસ જિન્દાબાદના નારા લગાવ્યા
ત્યાર બાદ પોલીસે ભાઈગીરી કરનારા ત્રણેય આરોપીઓનો ખોફ લોકોના મનમાંથી દૂર થાય તે માટે જાહેરમાં તેમને કાન પકડાવી સરઘસ કાઢ્યું હતું. પોલીસે સામે તોફાની તત્વોને લાચાર જોઈ લોકોએ પણ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ મામલે હવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500