Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ૯૬ પીડિતાઓને પુનઃસ્થાપન કરાવતી સખી વન સ્ટોપ સેન્ટર

  • July 25, 2022 

સમાજમાં મહિલાઓના જીવનધોરણ, વિકાસ, મિલકતના હક્કો, આર્થિક વિકાસ સહિતની બાબતોના લીધે મહિલાઓ હિંસાનો ભોગ બનતી હોય છે. પીડિત અને શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ, મહિલાઓ સ્વમાનભેર જીવી શકે, આત્મનિર્ભર બની પોતાના હક્કોથી વાકેફ થાય તથા પોતાને મળતા કાયદાકીય કવચથી અવગત થાય તેમજ પીડિતાએ જુદા જુદા સ્થળે ન્યાય માટે ભટકવું ન પડે અને તેમને એક જ સ્થળે તમામ પ્રકારની સહાય મળી રહે તે માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ’’સખી’’ વન સ્ટોપ સેન્ટર યોજના અમલી બનાવી છે.   


’’સખી’’ વન સ્ટોપ સેન્ટર દેશના વિવિધ રાજયોમાં અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે ૨૪*૭કાર્યરત છે. નવસારી જિલ્લામાં એમ.જી.જી.સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રૂ.૫૨ લાખના ખર્ચે ’’સખી’’વનસ્ટોપ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧ ઓગષ્ટ ૨૦૧૯ થી નવસારી ખાતે ’’સખી’’વનસ્ટોપ સેન્ટર કાર્યરત છે. સીસીટીવી કેમેરાથી સજજ આ સેન્ટરમાં પીડિતાઓ માટે આશ્રય રૂમ, બે કાઉન્સીલીંગ રૂમ સહિતની આધુનિક સુવિધાઓ સાથેનું બિલ્ડીંગ છે.


કેન્દ્ર સંચાલકશ્રી અસ્મિતાબેન ગાંધીએ ’’સખી’’ વન સ્ટોપ સેન્ટર વિશે જણાવતા કહ્યું હતું કે, પીડિત મહિલાઓ માટે સરકારની આ ખુબ જ સારી યોજના છે. આ સેન્ટરમાં તમામ સ્ટાફ મહિલાઓ હોય છે. અહીં પીડિતાની ઇચ્છા મુજબ પરિવારને બોલાવામાં આવે અથવા કાયદાકીય માટે સલાહ આપવામાં આવે છે.  "શારીરિક કે માનસિક હિંસાનો ભોગ બનેલી પીડિતાઓનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે. ત્યાર બાદ જરૂર જણાયે તબીબી, પોલીસ કે કાયદાકીય માર્ગદર્શન આપવાની સાથે પીડિતાને આશ્રય આપવાની સાથે આર્થિક ઉત્કર્ષ માટે તેમને તાલીમ પણ આપવામાં આવે છે.


’’સખી’’ વન સ્ટોપ સેન્ટર વિશે કેન્દ્રના સંચાલકશ્રી ભાવિશાબેન રોહિતે જણાવ્યું હતું કે, પીડિતા મહિલાઓને કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ કરી તેમના આત્મવિશ્વાસ વધે, પોતાના જીવનનો નિર્ણય લઇ શકે, હિંસા સામે ન્યાય મેળવી શકે તે માટે યોગ્ય દિશાસુચન આપવામાં આવે છે. પીડીતાને જિલ્લા કાનુની સત્તામંડળ દ્વારા સરકારી વકીલ પુરા પાડવામાં ’’સખી’’ વન સ્ટોપ સેન્ટર મદદરૂપ બને છે. પીડીત મહિલાઓને ’’સખી’’ વન સ્ટોપ સેન્ટર દ્વારા એફ.આઇ.આર./ડી.આઇ.આર દાખલ કરવા માટે સહાય પુરી પાડવામાં આવે છે. હિંસાથી પીડિત મહિલાને પાંચ દિવસ સુધી હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે. સીસીટીવી કેમેરાથી સજજ આ સેન્ટરમાં પીડિતાઓ માટે રહેવાની, ભોજન, ચા-નાસ્તો, કપડા, અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે. કોઇપણ પ્રકારની પીડિત મહિલાઓને તમામ પ્રકારની તબીબી સહાય જેવી કે, લેબોરેટરી, એકસ-રે, સોનોગ્રાફી,  ઇમરજન્સી સારવાર તાત્કાલિક ધોરણે પુરી પાડવામાં આવે છે.



નવસારી ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં જિલ્લા સહિત અન્ય રાજયની મહિલાઓને પણ આશ્રય અને જરૂરી માર્ગદર્શન અપાયુ છે. વર્ષ ૨૦૧૯ થી આજદિન સુધીમાં ૨૭૨ ઘરેલુ હિંસા, ૬ જાતીય સતામણી અને ૯૮ અન્ય એમ કુલ મળીને ૩૭૬ પીડિત મહિલાઓએ આ સેન્ટરની મુલાકાત લીધી છે. તથા જરૂરિયાતમંદ ૨૯૬ થી વધુ મહિલાઓને આશ્રય અપાયો છે. ૧૨૪ પીડિતાઓને કાયદાકીય માર્ગદર્શન, ૨૬ મહિલાઓને પોલીસ સહાય, ૪૪ મહિલાઓને તબીબી સહાય તથા ૧૦૦ મહિલાઓને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવ્યો છે. ૮ પીડિત મહિલાઓને નારી ગૃહમાં, ૧ મહિલાને માનસિક આરોગ્ય માટેની હોસ્પિટલ ખાતે, ૧૨ પીડીતાને અન્ય સંસ્થા ખાતે તેમજ ૭૫ પીડીતાઓને પરિવારમાં (પતિ કે પિતાના ઘરે)  ’’સખી’’ વન સ્ટોપ સેન્ટર દ્વારા પીડીત મહિલાઓને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. પીડિતા  સેન્ટરમાં આવે ત્યારે વેલકમ કીટ તથા વિદાય લે ત્યારે ગુડબાય કીટ પણ સરકાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે. આમ નવસારીનું સખી વન સ્ટોપ સેન્ટર પીડિત મહિલાઓ માટે માવતરના ઘર સમાન બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application