નવસારીમાં હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમસંબંધનો કરૂણ અંત આવ્યો છે. જિલ્લાના ખેરગામમાં રહેતા હિંદુ યુવકને અબ્રામા ગામમાં રહેતી મુસ્લિમ યુવતી સાથે છેલ્લા 5 વર્ષ પ્રેમસંબંધ હતો. યુવકે આરોપ લગાવ્યો છે કે, યુવતીના પરિજનોને આ અંગે જાણ થતા તેમણે યુવતીનું અપહરણ કરી તેની હત્યા કરી છે અને પછી તેના શવને ક્યાંક દાટી દીધો છે. જો કે, આ મામલે પોલીસે તપાસ કરતા મૃતક યુવતીની કથિત અંતિમ ચિઠ્ઠી પણ મળી છે. પરંતુ, આ ચિઠ્ઠી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલને છેલ્લા 5 વર્ષથી જલાલપુરના અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા સાથે પ્રેમસંબંધ હતો. જો કે, 20 એપ્રિલે સાહિસ્તા તેના ઘરેથી નીકળી હતી ત્યાર બાદથી તેનો કોઈ પત્તો નહોતો. આથી સાહિસ્તાના પરિવારજનો બ્રિજેશના ઘરે પહોંચ્યા હતા અને યુવતીને શોધવા લાગ્યા હતા. ઉપરાંત, બ્રિજેશને માર પણ માર્યો હતો અને ધમકી આપી હતી. ત્યાર બાદ બ્રિજેશે સાહિસ્તાને શોધી કાઢી હતી અને તેના પરિવારને સોંપી હતી. આ મામલે સાહિસ્તાના પરિજનોએ બ્રિજેશને પોલીસ ફરિયાદ ન કરવા કહ્યું હતું.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે માગ
જો કે,તેના બીજા દિવસે બ્રિજેશને જાણ થઈ કે સાહિસ્તાએ ગળે ફાંસો ખાદ્યો છે. પ્રેમિકા આત્મહત્યા કરે તે માનવામાં ન આવતા બ્રિજેશે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સુરત આઈજીને પણ આ મામલે યોગ્ય તપાસ કરાવવા લેખિત અરજી કરી હતી. બ્રિજેશે સાહિસ્તાના પરિવારજનો પર ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો છે. સાથે બ્રિજેશે સાહિસ્તાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ માગ કરી છે. પોલીસે તપાસ કરતા મૃતક યુવતીની કથિત અંતિમ ચિઠ્ઠી પણ મળી છે. પરંતુ, આ ચિઠ્ઠી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
'મમ્મા-પપ્પા સોરી મને માફ કરી દો'
મૃતક યુવતીની કથિત અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે,'મમ્મા-પપ્પા સોરી મને માફ કરી દો. પણ મારી તો કઈ ભૂલ જ નથી. મેં તો ખાલી કોઈથી મોહબ્બત કરી. બ્રિજેશને કહેજો કે સોરી એને મને કસમ આપીને રોકેલી હતી. પણ મારે જીવવાથી કંઈ ફાયદો નથી. પપ્પા-મમ્મી ભૂલ તો મારી જ છે. એને મને કીધું કે, હું તારી સાથે શાદી કરવા તૈયાર છું પણ તારું ભવિષ્ય બગડશે. મારા ઘરે તેલ લાવવાના પૈસા નથી. મારી પાસે કોઈ જોબ નથી. તને વલાવીને તારું ભવિષ્ય મેં બગાડવાનો નથી. જે દિવસે હું પૈસા કમાતો થઈ જઈશ તે દિવસે તને છાતી થોકીને લઈ જઈશ. મમ્મી હું મરી જાવને તો અલ્લાહના વાસ્તે એને કંઈ કરતા નહીં. એને માફ કરી દેજો. એક મારી ઉમ્મીદ છે કે, મારી મૈયતમાં એને બોલાવજો. મારું મોઢું બતાવજો. પ્લીઝ મમ્મી-પપ્પા મને માફ કરી દેજો.' આ મામલે હવે નવસારી પોલીસ તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500