નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આંતક વધ્યો છે. રાહદારીઓ પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટના છાશવારે સામે આવતી હોય છે. ત્યારે હવે ફરી એકવાર રખડતા શ્વાનનો આંતક સામે આવ્યો છે. રખડતા શ્વાનના ટોળાએ જલાલપુરના એરુ ગામ ખાતે રહેતા યુવાન પર રાતના સમયે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ,જલાલપુરના એરુ ગામમાં આવેલી અવધ રેસિડેન્સીમાં અલ્પેશ સવારિયા પરિવાર સાથે રહે છે. દરમિયાન રાત્રે પોતાના દીકરા માટે આઈસ્ક્રીમ લેવા ઘરેથી નીકળેલા અલ્પેશ ભાઈ પર રસ્તામાં 5થી 6 રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રખડતા શ્વાનોએ અલ્પેશભાઈના શરીરના વિવિધ ભાગે બચકાં ભર્યા હતા. અલ્પેશભાઈને ગંભીર ઇજાઓ તથા સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
રખડતા શ્વાનને લઈ લોકોમાં ભય
જોકે,આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રખડતા શ્વાનને લઈ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાનના આંતકને અંકુશમાં લેવામાં તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ફળતા સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,છેલ્લા અમુક દિવસમાં નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાન દ્વારા બચકાં ભરવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરીજનો હવે સવારે અને રાત્રિના સમયે જાહેર માર્ગ પર પસાર થતી વખતે ભયની લાગણી અનુભવી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500