આજે જયારે ટકાઉ ઉર્જાના વિકલ્પો શોધવા પર ભાર આપવામાં આવે છે ત્યારે આજનું યુથ પણ આ બાબતમાં રસ ધરાવે છે. આજકાલ રસ્તા પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધવા લાગી છે ત્યારે હવે કદાચ સૌર ઉર્જાથી ચાલતી કાર પણ જલ્દી જ જોવા મળે તો નવાઈ નથી. નવસારીના જલાલપુરના માંગરોળ ગામમાં આવેલી કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ સૌર ઉર્જાથી ચાલતી કાર બનાવી છે.
જલાલપુર તાલુકામાં આવેલ માંગરોળ ગામની પ્રાઈમ કોલેજના ડિપ્લોમા મેકેનિકના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટના ભાગરૂપે આ કાર બનાવી છે. આ વિદ્યાર્થી છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ ભંગારમાંથી વસ્તુઓ ભેગી કરીને આ કાર બનાવી છે જે પેટ્રોલ-ડીઝલથી નહીં પણ સૌર ઉર્જાથી ચાલે છે.આ કારમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે,જયારે સૂર્યના કિરણો આ સોલર પેનલ પર પડે છે ત્યારે કારમાં લગાવવામાં આવેલી બેટરી ચાર્જ થાય છે અને આ બેટરીથી કાર ચાલે છે. ચાર્જ કંટ્રોલથી એ પણ જાણી શકાય છે કે બેટરી ચાર્જ થઇ અને કેટલી ચાર્જ થઇ.
આ કારની ખાસિયત એ છે કે તેનું વજન 300 કિલો છે જેમાં 4 લોકો બેસી શકે છે અને 6 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. એક વખતના ચાર્જથી આ બેટરી 100 કિલોમીટર સુધી જઈ શકે છે. આ કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.કાર પર 30 વોલ્ટની બે સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી બેટરી ચાર્જ થાય છે અને કાર ચાલી શકે છે. જણાવી દઈએ કે આ કારણે બનાવવામાં લગભગ 60 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500