રાજ્યમાં હાલ લોકો આગ ઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ બપોરના સમય કામ વગર બહાર ન જવા સલાહ આપવામાં આવી છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે નવસારીમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં 108 ઇમરજન્સી સર્વિસ પાસે આવતા હિટ સ્ટ્રોકના કેસમાં વધારો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારીમાં કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ પાસે રોજ આવતા હિટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. કોલ મળતા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સ્થળ પર જઈ દર્દીને જરૂરી સારવાર આપવામાં આવે છે. 1 મેથી 11 મે દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવા પાસે મહત્તમ કેસ નોંધાયા છે. આ કેસોમાં મોટા ભાગે ઝાડા-ઉલ્ટી, પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા જેવી ફરિયાદો મળી છે. આથી હાલની સ્થિતિને જોતા 108 એમ્બ્યુલન્સમાં જરૂરી તમામ દવાનો સ્ટોક અગાઉથી જ રાખવામાં આવ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ,ઉનાળા દરમિયાન રાજયના દક્ષિણ વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. અત્યાર સુધી નવસારીમાં 228 કેસ, વલસાડમાં 337 કેસ, ડાંગમાં 123 કેસ નોંધાયા છે. તબીબો અને નિષ્ણાતો દ્વારા લોકોને ઉનાળામાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો છે. જ્યારે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા, પર્યાપ્ત માત્રામાં પાણી પીવા, યોગ્ય ખોરાક લેવાની સલાહ આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500