નવસારીમાં ગાયવાડી વિસ્તારમાં રહેતા એક યુવક પર 4થી 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત યુવક લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવ્યો હતો,ત્યારે 4થી 5 અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પીડિત યુવકે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,42 વર્ષીય સંજય ડાહ્યાભાઈ નાયકા પરિવાર સાથે નવસારીના છાપરા રોડ પર આવેલા ગાયવાડી વિસ્તારમાં રહે છે. રવિવારે તેમના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ગયા હતા. ત્યાંથી સંજયભાઈ પરત તેમના ઘરે આવ્યા હતા. દરમિયાન 4થી 5 અજાણ્યા યુવક સંજયભાઈના ઘરે આવ્યા હતા અને તલવાર,લાકડા અને હોકી લઈ સંજયભાઈ કંઈ સમજે તે પહેલા જ હુમલો કર્યો હતો અને સંજયભાઈને ઢોર માર માર્યો હતો.
જો કે,મારામારીની ઘટના બનતા સ્થાનિક લોકોનું ટોળું ત્યાં ભેગું થતા હુમલાખોરો ભાગ્યા હતા.હુમલાનું સાચું કારણ હાલ સામે આવ્યું નથીઇજાગ્રસ્ત સંજયભાઈને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સંજયભાઈએ શંકાના આધારે દશેરા ટેકરીના યુવાનો હોવાનું જણાવ્યું હતું. જોકે,હુમલાનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી. આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500