નવસારીના ચીખલીમાં થોડા દિવસ પહેલા RTI એક્ટિવિસ્ટની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ,પોલીસે RTI એક્ટિવિસ્ટની હત્યાના કેસમાં ચીખલીના જ ત્રણ આરોપી શખ્સની પાલનપુર અને કલોલથી ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર હોવાથી તેને પકડવા માટે શોધખોળ આદરી છે.
નવસારીના ચીખલીમાં મૂળ થાલા ગામના RTI એક્ટિવિસ્ટ વિનય પટેલ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમનું બાઇક આંતરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં માથા અને શરીરના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘાથી વિનય પલેટનું મોત નીપજ્યું હતું. જ્યારે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. વિનય પટેલના પરિજનોએ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મામલાની ગંભીરતાને સમજી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.
પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી
હુમલાખોરોને પકડવા માટે પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી. પોલીસે હવે ત્રણ આરોપીઓની પાલનપુર અને કલોલમાંથી ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીઓ ચીખલીના જ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તેમના નામ વશિષ્ટ પટેલ, જીગ્નેશ પરમાર અને રાહુલ રબારી હોવાનું જણાયું હતું. તેમની સાથે અન્ય એક આરોપી પણ હતો જે હાલ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500