નવસારી જિલ્લાનાં દાંડી દરિયામાં અષ્ટ ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યાના ગોઝારા અકસ્માત બાદ આખરે નવસારી જિલ્લા તંત્રએ દાંડી દરિયા કિનારે આવતા સહેલાણીઓ માટે અગમચેતીના સુચના બોર્ડ લગાવી દીધા હતા. પરંતુ હજી પણ દરિયા કિનારે સહેલાણીઓના બચાવ માટે લાઈફ સેવિંગ સાધનો ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. ગત રવિવારે નવસારી તાલુકાના અષ્ટ ગામે રહેતા એક જ પરિવારના સભ્યો દાંડી દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. ત્યારે દરિયામાં ભરતી આવતા પાણી વધવા લાગ્યું હતું. જેથી અષ્ટ ગામના એક જ પરિવારના સાત સભ્યો ડૂબવા લાગ્યા હતા.
જોકે દરિયા કિનારે હાજર હોમગાર્ડ જવાનોએ ત્રણ સભ્યોને બચાવી લીધા હતા. પરંતુ માતા અને બે પુત્રો સહીત ચાર સભ્યો દરિયામાં ડૂબી ગયા હતા. ગત રવિવારે દાંડી દરિયામાં ગોઝારો અકસ્માત સર્જાયા બાદ અંતે નવસારી જિલ્લા તંત્ર ભાનમાં આવ્યું છે. નવસારી જિલ્લા તંત્રએ દાંડીના દરિયા કિનારે સહેલાણીઓ માટે અગમચેતીના સાઈન બોર્ડ લગાવી દીધા છે. જે સાઈન બોર્ડ દ્વારા સહેલાણીઓને સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ દરિયામાં વધતા પાણી ઉપર નજર રાખવા સહીત બાળકો ઉપર ધ્યાન આપવા જણાવ્યું છે. આ સિવાય તંત્રએ જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર, ફાયર હેલ્પ લાઈન નંબર, પોલીસ હેલ્પ લાઈન નંબર, જલાલપોર પોલીસ મથકનો નંબર, મહિલા હેલ્પ લાઈન નંબર તેમજ એબ્યુલન્સ સેવાનો નંબરની માહિતી દર્શાવવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500