નવસારીના નસીલપોર પાસેથી જિલ્લા એલ.સી.બી.એ બીલીમોરા ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર ચોર મહિલાને ઝડપી પાડી બીલીમોરામાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. નવસારી જિલ્લા એલ.સી.બી.નાં પી.આઈ. વી.જે.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યરત હતો તે વખતે બાતમી મળી હતી કે, બીલીમોરામાં કચરો વીણવાના બહાને મકાનમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના ચોરી કરનાર મહિલા નવસારી-બારડોલી રોડના નસીલપોર વિસ્તારમાં કચરો વીણવાના બહાને ફરી રહી છે.
જેના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી નસીલપોરથી આરોપી ભાનુબેન ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા યશવંતભાઈ ઢાલવાલે (ગારોડી) (ઉ.વ.45, રહે.લોહાર ફળિયું, માર્કેટ યાર્ડ,વ્યારા,જિ.તાપી)નાંને ઝડપી પાડી તેની પાસેથી બીલીમોરાના બંધ મકાનમાંથી ચોરી કરેલ સોનાનું લૂઝ કિંમત રૂપિયા 52,300/- અને રોકડા રૂપિયા 2.17 લાખ મળી રૂપિયા 2,69,300/-ની મતા કબ્જે કરી હતી. ઉપરોક્ત કામગીરીમાં પી.આઈ. વી.જે.જાડેજા તથા પી.એસ.આઈ. વાય.જી. ગઢવી, એસ.વી. આહિર, એએસઆઈ સુનિલસિંહ દેવિસિંહ, સોનલબેન દિનેશભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
જયારે વધુમાં એલ.સી.બી.નાં હાથે ઝડપાયેલ વ્યારાની ચોર મહિલા આરોપી ભાનુ ઢાલવાલે બીલીમોરા ઉપરાંત નવસારી ટાઉન, વાંસદા, માંડવી, વાલોડ, રાજપીપળા, સોનગઢ સહિતના ટાઉનોમાં 11 ચોરીનાં ગુનાને અંજામ આપ્યો હતો. મજબૂત બાંધો ધરાવતી ભાનુ ઢાલવાલે મેલાઘેલા કપડા પહેરીને નાના ટાઉનોમાં કચરૂ વિણવાના બહાને શહેરી-મહોલ્લાઓમાં થેલો લઇને રખડતી હતી. જ્યાં કોઇ બંધ મકાન નજરે પડે અને આસપાસના લોકોની નજર ન જાય તેવી રીતે બંધ મકાનના દરવાજાનો નકુચો લોખંડના સળિયાથી તોડી ઘરના કબાટ કે ટેબલોના ખાનામાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યા બાદ કોઇ વાહન કે બસમાં બેસી ફરાર થઇ જતી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500