નવસારી શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક આશાપુરી માતાજીનું મંદિર શહેરીજનો માટે આસ્થાનું પ્રતીક છે. ભાગ્યે જ શહેરનો કોઈ એવો વ્યક્તિ હશે જે દિવસમાં આશાપુરી મંદિર પાસેથી પસાર નહિ થતો હોય. આશાપુરી મંદિરની સ્થાપના ગાયકવાડી રાજમાં થઈ હતી. આ મંદિર આશરે 384 વર્ષ જુનું છે. આશાપુરી માતાજીના મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. હરગોવિંદ હરિવલ્લભદાસ નામના એક સોનીને માતાએ સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે, વિજલપોર આગળ જોડીઆ વડની તળે હું રહી છું. તેમાંથી મને કાઢ અને મારી પૂજા કર, હું તારા મનની આશા પુરી કરીશ. જેથી હરગોવિંદ હરિવલ્લભદાસે તેમના મિત્ર સાથે મળીને ત્યાં જઈ ખોદકામ કરતા મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ લઈને તેઓ થોડેક આગળ આવી હાલ જ્યાં મંદિર છે, ત્યાં વડની નીચે મૂર્તિની સ્થાપના કરી. હરગોવિંદ હરિવલ્લભદાસ નિઃસંતાન હતા, માતાજીની સ્થાપના બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો.
આ ઉપરથી આશા પુરનારી દેવીનું નામ આશાપુરી રાખ્યુ હતું આમ, આશરે 384 વર્ષ અગાઉ મંદિરમાં માતાજીની સ્થાપના થયેલી તે મંદિર હાલ તો વિશાળ પરિષર ધરાવતું તીર્થસ્થાન બની ગયું છે. મંદિરમાં મુખ્ય ગર્ભગૃહમાં આશાપુરીમાં, સિધ્ધિવિનાયક, ગણપતિદાદા અને માર્કંડઋષિનો સંપુટ છે જેનું મહાત્મ્ય વધી જાય છે. માતાજીની મૂર્તિ સિંહ પર બિરાજમાન મહિષાસુર મર્દિની સ્વરૂપમાં છે. મૂર્તિઓની પાછળ શેષનાગનું પ્રતિક છે. મંદિરના મુખ્ય ઘુમ્મટમાં માતાજીના સુંદર ચિત્રો જેમાં તારા, કાલી, કમલ, માતંગી, મોઢેશ્વરી, ભુવનેશ્વરી, ત્રિપુર ભૈરવી, માતંગી, છિન્નમસ્તા, ધુમાવતિ, બગલામુખી માતાજીના ચિત્ર અને બહાર માતાજીના વાહન સિંહની ઉપરના ઘુમ્મટમાં નવદુર્ગા માતાજીના ચિત્રો છે. દેવીની નવ મૂર્તિઓ જેમનો નવદુર્ગા કહે છે તેમના અલગ-અલગ નામો બતાવવામાં આવે છે. અહીં માતાજીની દર્શન માટે જાતજાતની બાધાવાળા લોકો આવે છે જેની માં ઈચ્છા પૂરી કરે છે. વિવિધ ધર્મના લોકો માતાજીની સામે ખોળો ભરવા, છોકરાઓની મુંડનવિધી કરાવવા આવે છે. આશાપુરી નામ પ્રમાણે માતા ભક્તજનોની આશાઓ અને ઈચ્છાઓ પૂરી કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500