નવસારી જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત બીલીમોરા સોમનાથ પ્રાથમિક મુખ્ય શાળા, સોમનાથ રોડ પર મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારમાંથી આવતા બાળકો અભ્યાસ કરે છે. શાળા પરિવાર દ્વારા બાળકોને ભારતીય લોકશાહી વિશે યોગ્ય માહિતી મળે અને તે માટે અને ચૂંટણીનું મહત્ત્વ બાળકો સમજે તેમજ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા કઈ રીતે પાર પાડવામાં આવે છે તેની ગંભીરતા સહજ રીતે બાળકો સમજે તે માટે આ સોમનાથ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા એક બાળ સંસદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. ચૂંટણી જાહેર થયા પછીના નિયમો સમજાવ્યા બાદ ચૂંટણીની પ્રક્રિયા અધિકારી-કર્મચારી દ્વારા કઈ રીતે પાર પાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં શાળાના ધોરણ-6 થી 8માં અભ્યાસ કરતાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાળકોને ચૂંટણીમાં અલગ-અલગ જવાબદારી જેમાં બાળકોને પ્રિસાઈડિંગ અધિકારી, પોલિંગ ઓફિસર, એજન્ટ, પટાવાળા વગેરેની જવાબદારી બાળકોને સોંપવામાં આવી હતી. જે બાદ તે સિવાયના બાળકો મતદાર બન્યા હતા. જેમને ઇવીએમ દ્વારા કઈ રીતે મત આપવામાં આવે છે. ફોનમાં વોટિંગ એપ્લિકેશન દ્વારા ઈવીએમથી મતદાન કરાયું હતું, તે અંગે માહિતી આપી બાળકોની આ ચૂંટણી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આંગળી પર સહી લગાવવી નોંધણી કરવી, મત કુટિરમાં મત આપવાનું સમગ્ર માળખું તૈયાર કરાયું હતું.
ત્યારબાદ મતોની ગણતરી હાથ ધરાઈ હતી અને વિજેતા બાળકોને મંત્રીઓને જે પ્રમાણે અલગ-અલગ ખાતા ફાળવવામાં આવે છે. તે મુજબ બાળકોને પણ રમતગમત અને સાંસ્કૃતિક, આરોગ્ય, પ્રવાસ-પર્યટ, પર્યાવરણ સંરક્ષણ ખાતા જેવા અન્ય ખાતા ફાળવવામાં આવ્યા હતા અને તેમને તેમની ભૂમિકા જવાબદારી સમજાવાઈ હતી જયારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં 52 બાળકોએ ભાગ લીધો હતો. હાલ કોરોનાને કારણે 1 થી 5 વર્ગના ધોરણો બંધ છે.
આમ, બાળકો ચૂંટણીનું મહત્ત્વ સમજે, મતદાનનું મહત્ત્વ સમજે, ઇવીએમથી મતદાન કરવાનું અને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય અને લોકશાહી શાસન પદ્ધતિની સમજ કેળવે તે મુખ્ય હેતુ માટે ચૂંટણી કાર્યક્રમનું આયોજન કરી શાળાના શિક્ષકો ગમ્મત સાથે જ્ઞાન આપવામાં સફળ થયાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય શિક્ષક કિશોરભાઇ પટેલ અને શિક્ષિકા અપેક્ષાબેન સહિતના શાળાના શિક્ષક-શિક્ષિકાઓએ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500