નવસારીના ગણદેવી મામલતદાર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર સામે ઐતિહાસિક સતિ માતાના મંદિરનો કાળી ચૌદશનો મેળો જાણીતો અને માનીતો રહ્યો છે. જનસમૂહમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ મેળાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. ગામેગામથી ઘેરૈયાઓ માતાના દરબારમાં આવી ઘેરૈયા નૃત્ય કરતા હોય છે અને સતિ માતાના મંદિરે મોટો મેળો ભરાતો રહ્યો છે. જોકે, ગત વર્ષે કોરોનાના પરિણામોને લઇને કારણોને લઈને આ એક ઐતિહાસિક મેળો રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ મેળો ભરાશે એવી આશા સૌ કોઈને રહી છે, આ વર્ષે વાતાવરણ થોડું હળવું થયું હોય અને આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પણ વ્યવસ્થિત નીતિ નિયમોને આધિન રહીને ઉજવાનાર હોય કાળી ચૌદશનો મેળો ભરવામાં આવે એવી જનસમૂહની લાગણી રહી છે.
પરંતુ આ તમામ વચ્ચે સતિ માતા મંદિરના સંચાલકો કમલેશભાઈ પટેલ, ભરતભાઇ દેસાઇ અને મિતેશભાઇ જોશી સહિત સૌના જણાવ્યા મુજબ, આ વર્ષે પણ સતિ માતાનો કાળી ચૌદશનો મેળો નહીં યોજાવાનું જણાવ્યું હતું. આ વિસ્તારમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે કે તા.3જી નવેમ્બરનાં રોજ કાળી ચૌદશનો મેળો ભરાશે નહીં પરંતુ માતાના મંદિરે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રહેશે તેમજ ધાર્મિક માતાજીનો યજ્ઞ તેમજ કાળી ચૌદશના વિધિવિધાન પણ કરવામાં આવનાર હોવાનું મંદિર સમિતિના સભ્યો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. માતાના ભકતો કોરોના નિયમોને આધીન દર્શન કરવા આવી શકશે અને ત્યાં તેમની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાથી ચાલી આવતી વિધિઓ પણ કરી શકશે એવું જણાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સતિમાતાનું મંદિર ઐતિહાસિક મંદિર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500