ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને બંદરો ભયસૂચક સિગ્નલ લગાવી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. નવસારી જિલ્લાને પણ 52 કિલો મીટરનો દરિયાઈ કાંઠો લાગે છે. જેથી સંભવિત વાવાઝોડાને લઈને આગમચેતીનાં ભાગરૂપે વહીવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 52 કિલોમીટરના દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. બીલીમોરાનાં માછીવાડ ધોલાઈ સહિતનાં વિસ્તારોમાં ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તમામ અધિકારીઓને હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRFની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેકટર દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500