ગણદેવી તાલુકામાં તૌકતે વાવાઝોડાને પગલે ૧૬૧.૯૫ હેકટર ઉનાળું ડાંગરનાં પાકને માઠી અસર વર્તાઈ હતી. જેને કારણે ચોમાસાની ઋતુમાં પશુઓને નિરણ માટે સૂકા ડાંગર પુરેટિયાનો ભાવ આસમાને બોલાઈને વિંઘા ડાંગરે રૂપિયા ૮ હજાર ઉપર પહોંચ્યો છે. તેમ છતાં જીવ સમાન પશુઓને બચાવવા માટે પશુપાલકો મોંઘા મુલનાં ડાંગર પુરેટિયા ખરીદવા મજબૂર બન્યા છે.
ડાંગરએ મુખ્ય ધાન્ય પાકોમાં એક છે. ઉનાળાની ઋતુ પૂર્ણતાને આરે છે. દરમિયાન ધોમધખતા તાપ વચ્ચે ડાંગર પરાળ પીળો થયો હતો અને ડાંગરના દાણા પરિપક્વ અવસ્થામાં પહોંચતા ખેડૂતોએ કાપણી શરૂ કરી હતી. દરમિયાન દૂર દરીયામાં ઉદ્દભવેલુ તૌકતે વાવાઝોડુંએ વિનાશ વેર્યો હત અને તાલુકામાં ૧૬૧.૯૫ હેકટર જેટલાં ડાંગર પાક ઉપર માઠી અસર વર્તાઈ હતી. કાપણી બાદ ડાંગરના પુરેટિયા કમોસમી વરસાદમાં પલળી ગયા હતા. જે બાદ ઉગાડ નિકળતા સૂર્યના તાપમાં સૂકવવા સાથે પરંપરાગત લણણી કરાઈ હતી. જેમાં પ્લાસ્ટિકની મોટી આથર પાથરી તેની મધ્યમાં લોખંડનો ખાટલો મુકાયો હતો.
ખેડૂત પરિવાર અને શ્રમજીવીઓ ડાંગરના પુળા હાથમાં લઇ લોખંડના ખાટલે ઝુડી રહ્યાં છે જેને કારણે પુરેટિયામાંથી દાણા છૂટા પડતા મોટો ઢગ ખડકાયો હતો. જે બાદ પંખાની હવાએ દાણા વાવલી કચરો છૂટો કરાયો હતો. ખેડૂતો પોષણક્ષમભાવની આશાએ નવા ધાન્ય બજારમાં મુકી રહ્યા છે. તો બીજી તરફ ડાંગર પુરેટિયાની સૂકા ચારા તરીકે ચોમાસામાં મોટી માંગ રહે છે. જેની સામે દર વર્ષની તુલનામાં આ વર્ષે પુરેટિયાનો ઉતારો ઓછો છે. ગત વર્ષે ૧ વિંઘા ડાંગર પુરેટિયા ૬ હજારનાં ભાવે વેચાયા હતા. જેમાં ઉઘડતી સિઝન માં રૂપિયા ૨ હજારનો તોતિંગ વધારા સાથે રૂપિયા ૮ હજાર બોલાય રહ્યાં છે. જે હજુ વધી ૧૦ હજારે પહોંચવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પશુ પેદાશોનો આધાર પશુઓને આપવામાં આવતા ખોરાક ઉપર રહેલો છે. ચોમાસામાં લીલો ઘાસચારો પુષ્કળ મળી રહે પરંતુ દુધાળા પશુ માટે સૂકો ચારો પણ અત્યંત જરૂરી હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. મોંઘા ઘાસચારા વચ્ચે દૂધનાં ભાવો પણ વધે તે તરફ પશુપાલકોની મીટ મંડાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500