રાજયના આદિજાતિ વિકાસ, વન, મહીલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ આજરોજ નવસારી જિલ્લાનના વાંસદા તાલુકાના મહુવાસ ખાતે વનીલ ઇકો ડેન ઇકોટુરીઝમ સેન્ટરને ખુલ્લુ મુકયુ હતુ. આ અવસરે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિત, ડાંગ ધારાસભ્ય વિજયભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.
મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, માનવજીવન વૃક્ષો આધારિત છે. રાજય સરકાર આ વર્ષે ૧૦ કરોડ ૧૦ લાખ રોપાનું વાવેતર-વિતરણ કરશે. વૃક્ષો એ માનવસૃષ્ટિનો આધાર છે. આપણે સૌ પર્યાવરણનું જતન કરીએ. કલીન ગુજરાત ગ્રીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરીએ.
મંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, વનીલ ઉદ્યોગ ખાતે ૭૨ હેકટરમાં પથરાયેલું છે. રૂ.૮૦ લાખના ખર્ચે વનીલ ઇકો ડેન ઇકો ટુરીઝમ સહેલાણીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે વિવિધ ઝોન તૈયાર કરાયા છે. જેમ કે, રેસ્ટ હટ, ધન્વન્તરી ગાર્ડન, બટરફલાય ઝોન, સહયાદ્રિ કક્ષ, ટ્રાયબલ ઝોન, હર્બલ ઝોન, ઍડવેન્ચર ઍકટીવીટી ઝોન, વાઇલ્ડ લાઇફ ઝોન, બોગનવેલ ઝોન, બાંબુ ઝોન, મેડીસીનલ પ્લાન્ટ નર્સરી, વાઇલ્ડરનેસ ઝોન, ઇકો કોટેઝીઝ તેમજ ફર્નિચર મેકિંગ યુનિટનો સમાવેશ થાય છે.આ પ્રસંગે વન મંત્રી વસાવાએ તકતી અનાવરણ કરી સેન્ટરની મુલાકાત કરી હતી. તેમજ વૃક્ષારોપણ કર્યુ હતુ. મંત્રીએ ઇકો ટુરીઝમ સેન્ટરની મુલાકાત લઇ જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500