વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક જ ફળિયાના બે પરિવારમાં રોકડા અને મોબાઈલ તેમજ અન્ય વસ્તુની ચોરી થયાની ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે, વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામના પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ અમ્રતભાઈ પટેલના ઘરેથી 40 હજાર રોકડા, 3 મોબાઈલ અને બાઈકની ચાવી જ્યારે આજ ફળિયામાં રહેતા છગનભાઈ બાબરભાઈ પટેલના ઘરેથી 1 મોબાઈલ, 10 હજાર રોકડા અને ૩ પાકિટની તસ્કરો ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે આ અગાઉ મોટીવાલઝરની બાજુના જ ગામ ઉપસળ અને ભીનારમાં પણ ચોરીના બનાવો બની ચૂક્યા છે.
જેથી ચોરીની ઘટના સામે આવતા સ્થાનિક સ્તરે લોકો વાંસદા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. જ્યારે વાંસદા તાલુકાને અડીને આવેલા ગામોમાં ચોરીની ઘટના બની રહી છે અંતરિયાળ ગામોનું તો શું કહેવું. જાણે એમ લાગી રહ્યું છે કે, તસ્કરોને પોલીસનો ડર લાગતો નથી એમ ધોળે દિવસે ઘરોમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500