કોળી પટેલ સમાજના બ્રેઈન ડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલેના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતા મહેકાવી છે. તા.૩ જુનના રોજ કલ્પનાબેન એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા તેમને તાત્કાલિક ગણદેવીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા.૧૭ જુનના રોજ ડોકટરોએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાએ કલ્પનાબેનના પરિવારને ઓર્ગન ડોનેટ કરવા અંગેની જાણકારી આપી હતી. કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતા. તેઓ જીવનમાં હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. જેથી મારા મમ્મી બ્રેઈન ડેડ થતા તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે જેથી અમારા પરિવારે મારી મમ્મીના અંગદાન થકી બીજાને નવજીવન મળી રહે તે માટે અંગોને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTOનો સંપર્ક કરીને કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને આપવામાં આવ્યું જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500