મધ્યપ્રદેશથી સસ્તા ભાવે દેશી તમંચા લાવીને નવસારીમાં ઊંચા ભાવે વેચવા મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે 15 દિવસ પહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. આ કેસમાં એસઓજીએ વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ નવસારીમાં એક માથાભારે શખ્સને રૂ.30 હજારમાં દેશી તમંચો વચ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
નવસારી જિલ્લામાં દેશી તમંચાનો છેલ્લા ઘણા સમયથી વેપાર થાય છે. ત્યારે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે 15 દિવસ પહેલા નવસારી જિલ્લામાં દેશી તમંચાનો વેપાર કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં જલાલપુરમાં રહેતા 24 વર્ષીય કમલસિંહ નુરા ડાવર, સુનિલ જગત ખરત અને આશિષકુમાર રામનિહાલ મિશ્રાની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપી જિલ્લામાં દેશી તમંચાની લે-વેચ કરતા હતા. આ આરોપીઓની પૂછપરછમાં અન્ય એક શખ્સ શાહરૂખ શેખનું નામ સામે આવ્યું હતું.પોલીસ તપાસ દરમિયાન જાણ થઈ કે શાહરૂખ યુપીથી નવસારી આવ્યો છે.
આથી એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી શારરૂખને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે દેશી તમંચો વાઘા ભરવાડ નામના એક માથાભારે શખ્સને વેચ્યો હતો. ભૂતકાળમાં વાઘા ભરવાડ દ્વારા નવસારીના એક વકીલ પર સુરત ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સુરતના ખટોદરા ખાતે પોલીસ કેસ પણ થયો હતો. આરોપી શાહરૂખે કબુલ્યું કે તે એમપીથી સસ્તા ભાવે દેશી તમંચો લાવીને નવસારીમાં ઊંચા ભાવે વેચતો હતો. અત્યાર સુધી આરોપીઓએ 4થી વધુ તમંચા વેચ્યા હોવાનો અંદાજ છે. વાઘા ભરવાડને શાહરૂખે રૂ.30 હજારમાં દેશી તમંચો વેચ્યો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ આરોપી શાહરૂખને નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500