નવસારી નજીક ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે અર્ટીગા કારના ડ્રાઈવરે કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક ઉપર સુમુલ ડેરીના દૂધના ટેન્કર સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સવારે 9.30 વાગ્યે સુમુલ ડેરીના દૂધ ભરવાનું ટેન્કર નંબર જીજે/19/એક્સ/2871નો ચાલક સુરજ શ્યામનારાયણ યાદવ (રહે.સુમુલ ડેરી, અશ્વીનીકુમાર રોડ,સુરત) તથા ક્લિીનર રાજેશ સાથે ટેન્કરનો ક્લચ રીપેરીંગ કરાવવા માટે નવસારીના ગણેશ સિસોદ્રા ખાતે જઈ રહ્યા હતા.
તે દરમિયાન નવસારી નજીક ધોળાપીપળા ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર-48 ઉપર સામેના ટ્રેક મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપરથી પૂરઝડપે આવતી અર્ટીગા કાર નંબર ડીએન/09/જે/2075નો ચાલક અજય અરવિંદભાઈ પટેલે કાર પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક ઉપરથી પસાર થતાં સુમુલ ડેરીના ટેન્કર સાથે સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતમાં કાર ચાલક અજય પટેલ તથા તેની સાથે કારમાં સવાર મિત્રો આયુષ ભરતભાઈ પટેલ (બંને રહે.નવેરાગામ,વલસાડ) અને મયુર પટેલ (રહે.રાનકુવા,તા.ચીખલી,જિ.નવસારી) ત્રણેયના શરીરે હાથ-પગ માથાના અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં કારમાં જ કમકમાટી ભર્યા મોત થયા હતા જોકે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ અંગે ટેન્કરના ચાલક સુરજ શ્યામનારાયણ યાદવે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500