જુનાગઢ એસઓજી પોલીસે એસટી બસમાં હથિયાર લઈ જતા યુવકને ઝડપી પાડ્યો હતો. જુનાગઢ એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વંથલી બાયપાસ પરથી એસટી બસમાં રિવોલ્વર,તમંચો અને બે કાર્ટિસ સ્કૂલબેગમાં લઈ જતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. દિયોદર સોમનાથ રૂટની બસ વંથલી પાસે પહોંચતા પોલીસે તેને રોકી અને તપાસ કુલદીપ જાદવ નામના યુવક પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવતા વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
જુનાગઢ નાયબ પોલીસ મહાન નિરીક્ષક નિલેશ ઝાંઝડિયા તેમ જ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તેમ જ હથિયાર શોધી કાઢવા જેવા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના મળી હતી,જેના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલ તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન આજ રોજ જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના એએસઆઈ એમ.વી. કુવાડિયા તથા પોલીસ હેડ કોસ્ટેબલ એ.સી. વાંકને ચોક્કસ બાતમી હકીકત મળી હતી.
બાતમી મુજબ, એક ઈસમ જે સ્કૂલબેગ જેવા થેલામાં ગેરકાયદેસર હથિયાર રાખી લાલ કલરની નડિયાદ-સોમનાથ બોર્ડ વાળી એસટી બસમાં બેઠો છે, જે વંથલી તરફ જઈ રહી છે. તેની પાસે હથિયાર હોવાની ચોક્કસ બાકી મળી હતી. બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા એસટી બસ જુનાગઢ ગેલેક્સી ધાબાવાડી ચોકડી પાસે રોકાવી અને બસમાં તપાસ કરતા કુલદીપ છોટેલાલ જાદવ (ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી, રહે. ગામ રામપુર તાલુકો, જીલ્લો ભીંડ, રાજ્ય મધ્યપ્રદેશ) ને પકડી તેની પાસેથી ગેરકાયદેસર આધાર કે પરવાનગી વગરનો તમંચો (નંગ એક, જેની કિંમત આશરે રૂ.15000), રિવોલ્વ (કિંમત રૂ.10,000) તથા જીવતા કારતૂસ નંગ બે (કિંમત રૂ. 200) મળી કુલ 25,200ના મુદામાલ મળી આવ્યો હતો.
આ મામલે યુવકની વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે, જેની આગળની તપાસ હાલ વંથલી પોલીસ સ્ટેશન કરી રહી છે.જે અંગે જુનાગઢ જિલ્લા પોલીસ હર્ષદ મહેતા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, આ યુવાન હાલ રાજકોટ વિસ્તારમાં રહે છે અને કલરકામનો વ્યવસાય પણ કરે છે. તેમ જ યુવાન આ હથિયાર ક્યાંથી લઈ આવ્યો, તેમ જ કોને આપવાનો છે તે અંગે પણ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલ તો યુવાનની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500