Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણી કરાઈ

  • January 26, 2024 

ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. (National Voters Day) ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચનો (Election Commission of India) મુખ્ય ઉદ્દેશ્ય, દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે તા.૧લી જાન્યુઆરીએ ૧૮ વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો, અને તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય તે સુનિશ્ચિત કરવાનો છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ જણાવ્યુ હતુ. લોકશાહીના જતન, સંવર્ધન માટે યુવા મતદારોને જાગૃત થવાની હાંકલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ઇન્ચાર્જ કલેક્ટરએ, એક પણ મતદાર મતદાન વિના ન રહે તે જોવાની હિમાયત કરી હતી.



ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વધુમા વધુ મતદાન થાય તે આવશ્યક છે તેમ તેમણે જણાવ્યુ હતુ. ચૂંટણી મતદાનની પ્રક્રીયામા દરેક નાગરીક પોતાના હક્કથી વંચિત ના રહી જાય, તેમજ આવનાર લોકસભા ચૂંટણીમા ડાંગ જિલ્લામા વધુમા વધુ મતદાન કરવા દરેક નાગરીકોને કલેક્ટરએ અપીલ કરી હતી. આ દિવસની ઉજવણીના ભાગરૂપે પાત્રતા ધરાવતા નાગરિકોનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ ન હોય તેવા તમામ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવે તથા, તેને મળેલા મતદાનના બંધારણીય હકકનો અવશ્ય ઉપયોગ કરી, આવનાર સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની, પવિત્ર અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું એક અભિન્ન અંગ બને તે સુનિશ્ચિત કરવા કલેક્ટરએ આ પ્રસંગે જણાવ્યુ હતુ.



તેઓએ માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા તા:૫/૧/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ આખરી મતદારયાદી મુજબ જિલ્લાના ૩૧૧ ગામડાઓમા કુલ ૧ લાખ ૯૬ હજાર ૭૭૯ મતદારો નોંધાયેલા છે. જેમા પુરૂષ મતદારોની સંખ્યા ૯૮ હજાર ૫૧૬, અને મહિલા મતદારોની સંખ્યા ૯૮ હજાર ૨૬૧, ઉપરાંત થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ૨ (બે) નોંધાયેલ છે. જે પૈકી કુલ ૧૦૨૬ PwD (દિવ્યાંગ) મતદારો, ૮૦ વર્ષથી વધુ વયજુથના ૧ હજાર ૮૬૬ વરિષ્ઠ મતદારો, ૧૮ થી ૧૯ વર્ષના નવા યુવા મતદારોની સંખ્યા ૮ હજાર ૪૭૭ તથા PVTG મતદારોની સંખ્યા ૧ હજાર ૭૩૫ નોંધાયેલ છે. ૧૮ વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓ મતદાર નોંધણી કરી શકે તેમજ તેઓમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેમ મતદાર નોંધણી અધિકારી વ પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ જણાવ્યું હતું.



મતદાન અંગેની જાણકારી માટે નજીકનાં બુથ તેમજ બી.એલ.ઓ નો સંપર્ક કરી પોતાનું મતદાન કાર્ડ મેળવી લેવા, મતદાનમા પોતાનું નામ નોંધણી તેમજ અરજી કરવા માટે યુવાઓને જણાવ્યુ હતુ. સાથે જ વોટર હેલ્પલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરવા પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. તેમજ આવનાર લોકસભા ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન કરવા પણ પ્રાંત અધિકારીશ્રીએ યુવાઓને અપીલ કરી હતી. મતદાન જાગૃતિ માટે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદારશ્રી, શ્રેષ્ઠ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓ, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરશ્રીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. બોક્સ મતદારની પ્રતિજ્ઞા અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application