Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

  • August 20, 2023 

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયત સમયમર્યાદામાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તાકિદ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં દેડિયાપાડાના ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં લોકોને સ્પર્શતા કેટલાંક પ્રશ્નો પ્રસ્તુત કર્યા હતા.



જેમાં દેડિયાપાડા ખાતે નવા આધારકાર્ડ બનાવવા અને અપડેટ કરવા માટેના કેન્દ્રો, જૂની લાઈબ્રેરીની જગ્યા જે બિન ઉપયોગી હોય તેને યોગ્ય ઉપયોગ કરી શકાય, તાલુકા મથકે આવેલી જિલ્લા પંચાયત હસ્તકની દુકાનો અને તેના ભાડાની વસુલાત અંગેની બાબતો, મધ્યાહન ભોજન કેન્દ્રોની ફાળવણીમાં વિસંગતતા જણાય તો યોગ્ય ઉમેદવારને તેની ફાળવણી કરવી, જિલ્લા કક્ષાની પોલીસ સલાહકાર સમિતિમાં તાલુકાના અગ્રણીઓને સમાવવા સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારશ્રીની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.



વધુમાં નાગરિકોના પીવાના પાણીની બાબતો, જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોને માળખાકીય સુવિધાને અગ્રીમતા આપી લોકો તરફથી મળતા પ્રશ્નોનો સમયમર્યાદામાં સંવેદના સાથે નિકાલ કરવા પણ સૂચના આપી હતી. જિલ્લામાં પાણી નિકાલ માટેના કુદરતી શ્રોત(ડ્રેનેજ)ની જગ્યાઓ તથા લોકેશનની પસંદગી કરી તેની યાદી બનાવવી તેના નિકાલ અંગેમા સૂચનો આપવા અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું હતું. સંકલન સમિતિની બેઠક બાદ નર્મદા જિલ્લાના તૈયાર થઈ રહેલા ગેઝેટિયર સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાનું ગેઝેટિયર બનાવવા માટે રાજ્ય સરકારના યુવક અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અને વીર નર્મદ યુનિવર્સિટીનાં નિવૃત્ત પ્રાદ્યાપકશ્રી ડો.શ્રીનિવાસન રાવે ઉપસ્થિત રહી સમગ્ર સર્વસંગ્રહ મુદ્દા ઉપર વિગતે ચર્ચા કરી હતી.



બાદમાં જિલ્લાની કાયદો, વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની પણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવે હસ્તક આવતા રોડની મરામત, તથા રોડ સેફ્ટી અંગેના જરૂરી પગલાં ભરવા સંબંધિત વિભાગોને જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના આપી હતી. કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં હથિયાર પરવાના અંગેના પેન્ડીંગ તથા રિન્યુઅલ કેસો, કોર્ટ કેસો, અન્ય કેસો પેન્ડીંગ ન રહે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો ઝરવાણી અને નિનાઈ ધોધ ખાતે પ્રવાસીઓ ઊંડા પાણીમાં ન ઊતરે તે માટે સાઈનબોર્ડ લગાવવા, જરૂરી સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા પોલીસ અને વન વિભાગ દ્વારા થાય તે અંગે પણ ચર્ચા કરી સંબંધિત અધિકારીઓએ લોકોને માહિતગાર કરવા અને સાવધાની-સલામતી અંગે જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application