ભારત વર્ષની એક માત્ર નદી નર્મદાની શ્રદ્ધાળુઓ દ્વારા પરિક્રમા કરવામાં આવે છે. તેમાં પણ ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનું નર્મદા જિલ્લામાં વિશેષ મહત્વ રહેલું છે. નર્મદા જિલ્લાનામાંથી પસાર થતી માં નર્મદા ઉત્તરદિશા તરફ વહેતી હોવાથી અહીં ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા થાય છે. જેમાં સહભાગી થવા માટે રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ પવિત્ર પરિક્રમા અર્થે આવતા પરિક્રમા માર્ગમાં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના જૂદા જૂદા વિભાગોને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચના આપી હતી.
જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરએ પરિક્રમા માર્ગનું જાત નિરિક્ષણ કર્યું હતું. તા.૩૦મી માર્ચ,૨૦૨૩ને ગુરૂવારે રામ નવમીનો ઉત્સવ હોઈ પરિક્રમાવાસીઓ અદમ્ય ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા હોય તેને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમાના રૂટ ઉપર ગઈકાલે જઈને પગપાળા ચાલી જાત નિરિક્ષણ કર્યું હતું. વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું પણ નિરિક્ષણ કરી ખૂટતી કડીઓ ઉમેરવા અને પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તેવા હેતુ સાથે કામગીરી કરવા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને સૂચનાઓ અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરે ખાતેથી ચૈત્ર મહિનામાં નર્મદા નદીની પંચકોશી પરિક્રમા શરૂ થાય છે. જે તિલકવાડા તાલુકાના નાગેશ્વર મંદિર થઈને પરત રામપુરા ગામે પહોંચે છે. આ પગપાળા ચાલીને જતા શ્રદ્ધાળુઓને નર્મદા નદી પાર કરવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુ સાથે નર્મદા પરિક્રમા રૂટની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ હોડીઘાટ પર પહોંચી બોટમાં મુસાફરી કરીને તમામ બાબતોનું ઝીણવટ પૂર્વક નિરિક્ષણ કર્યું હતું. બંને જગ્યાએ બોટ ચલાવવાની પરવાનગી ધરાવતા ઈજારદારો સાથે પણ જરૂરી સલામતી અંગે ચર્ચા કરી હતી.
તેમજ પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે રૂબરૂ મુલાકાત કરી જરૂરી પૃચ્છા કરી હતી. નર્મદા પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ આ બોટ મારફતે સુરક્ષિત રીતે નદી પાર કરી પરિક્રમા કરી રહ્યા હોવાનો વિશ્વાસ પણ જિલ્લા કલેક્ટરએ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની પરિક્રમા રૂટની આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ (જિલ્લા પંચાયત)ના કાર્યપાલક ઈજનેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાંદોદના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી, નાંદોદના મામલતદાર, તિલકવાડા મામલતદાર સહિત અન્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500