ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ સમયે વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલા મુદ્દે હવે વાઈસ ચાન્સેલરની પણ પ્રતિક્રિયા સામે આવી છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. નીરજા ગુપ્તાએ આ અંગે એક અખબાર સાથે વાતચીતમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે શનિવારે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પાછળ નમાઝ જ એક માત્ર કારણ નહીં રહ્યું હોય. નીરજા ગુપ્તાએ કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ તરફથી સ્થાનિક સંસ્કૃતિને નજરઅંદાજ કરવું એ પણ એક કારણ હોઈ શકે છે. તેમણે દાવો કર્યો કે વિદેશી વિદ્યાર્થીઓ માંસાહારી ભોજન કરે છે અને બચેલું ખાવાનું ખુલ્લામાં ફેંકી દેવાથી ગુજરાતના શાકાહારી સમાજમાં સમસ્યાઓ થઈ શકે છે.
ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર ડો. નીરજા ગુપ્તાએ વાતચીતમાં વિદેશી વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનવાનું અને સ્થાનિક સંસ્કૃતિ-માન્યતાઓ વિશે જાગૃત બનવાનું જરૂરી ગણાવ્યું છે. શનિવારે કેટલાક લોકો અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસ્યા અને પરિસરમાં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. હિંસામાં પાંચ વિદ્યાર્થીઓને ઈજા થઈ. શ્રીલંકા અને તાઝિકિસ્તાનના બે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હિંસાનો વીડિયો પણ વાયરલ થયો છે.
વીસીને પૂછવામાં આવ્યું હતું કે શનિવારે રાતે યુનિવર્સિટીમાં હિંસા કેવી રીતે ભડકી? તો તેના જવાબમાં નીરજા ગુપ્તાએ કહ્યું કે કોઈ એક ચીજ (નમાજ પઢવા)ના કરાણે આટલી મોટી ઘટના ઘટી શકે નહીં. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે ઘર્ષણનું બીજુ કયું કારણ હોઈ શકે તો તેમણે કહ્યું કે આ ધાર્મિક અભ્યાસ નહીં સાંસ્કૃતિક અભ્યાસની વાત હોઈ શકે છે. વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક માન્યતાઓ વિશે સારી રીતે સમજાવી શકાય છે. વીસીએ કહ્યું કે દાખલા તરીકે તેઓ માંસાહારી ભોજન કરે છે પરંતુ ગુજરાત એક શાકાહારી સમાજ છે. વધેલું ફેંકી દેવું એક મુદ્દો હોઈ શકે છે. જો બચેલા માંસાહારી ભોજનને ખુલ્લામાં ફેંકવામાં આવે તો કૂતરા તેને ફેલાવી દે છે.
જાહેર સ્થળો પર તો બધા આવતા જતા હોય છે. પણ આ વિદેશી વિદ્યાર્થીઓ છે એટલે તેઓ તરત નોટિસમાં આવી જાય છે. આથી મે કહ્યું કે આ ફક્ત એક ઘટનાને લઈને નથી. આપણે કોઈના નમાઝ પઢવા અંગે આટલા અસંવેદનશીલ કે અસહિષ્ણુ નથી. આપણે તેમને સ્થાનિક સમાજ, પ્રથા અને ભાવનાઓને લઈને મેન્ટર કરવું પડશે જેથી કરીને તેઓ સુરક્ષિત રહે. આ બધા વચ્ચે ગુજરાત પોલીસે આ હુમલામાં હાથ હોવાની આશંકાને પગલે અનેક લોકોની ધરપકડ કરી છે. 25 અજાણ્યાઓ વિરુદધ પોલીસે તોફાન, ગેરકાયદેસર રીતે ભેગા થવું, હુમલો કરવો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું, ગેરકાયદેસર રીતે પ્રવેશ સંલગ્ન અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. ઘટનાની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. વિપક્ષી દળોએ કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકારને ઘેરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500